સત્ય. સાહસ. સંકલ્પ.

ડ્રાઇવરની હત્યાનો 12 વર્ષ પછી પર્દાફાશ: નામ બદલીને રહેતો મુખ્ય આરોપી સુરતથી ઝડપાયો

ડ્રાઇવરની હત્યાનો 12 વર્ષ પછી પર્દાફાશ: નામ બદલીને રહેતો મુખ્ય આરોપી સુરતથી ઝડપાયો

સુરત: રિલાયન્સ કંપનીના ટ્રક ડ્રાઇવર અનવરખાનની 2012માં થયેલી હત્યાનો 12 વર્ષ બાદ પર્દાફાશ થયો છે. પોલીસે આ કેસમાં ફરાર થયેલા મુખ્ય આરોપીને સુરતથી ઝડપી લીધો છે. આરોપીએ નામ બદલીને જીવન ગુજારી રહ્યો હતો.

ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરીને હજીરાથી દમણ જઈ રહેલા અનવરખાનનું ગળું વાયરથી ટૂંપીને હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ લૂંટના ઇરાદે આ કાવતરું રચ્યું હતું. ઘટના બાદ આરોપીઓએ ટ્રક ગણદેવી રોડ તરફ લઈ જઈ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર રામ નરેશ ઉર્ફે નરેશકાકા વિશ્વકર્મા હતો. તેણે PRC લોજિસ્ટિક્સ કંપનીમાંથી કાઢી મૂકાયા બાદ બદલો લેવા માટે આ યોજના ઘડી હતી. અન્ય આરોપીઓ પણ આ જ કંપનીમાં કામ કરતા હતા અને તેમને રૂટ તેમજ ડ્રાઇવરની માહિતી હતી.

20 ઓક્ટોબર 2012ની રાત્રે હજીરા નજીક અંધારામાં ત્રણ આરોપીઓએ ટ્રક રોકીને અનવરખાનને દમણ તરફ જવાની લાલચ આપી હતી. ચીખલી-નવસારી વચ્ચે ચા પીવાના બહાને ટ્રક ઊભો રાખ્યો અને આળસ મરડતાં જ પાછળ બેઠેલા વીરેશે વાયરથી ગળું ટૂંપી દીધું. મૃત્યુની ખાતરી કરવા છરાથી ગળા પર ઘા કરવામાં આવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા બાદ આરોપીઓએ લોહીવાળા કપડા નદીમાં ફેંકી દીધા અને ટ્રકનું GPS તોડી નાખ્યું. 21 ઓક્ટોબરથી GPS લોકેશન બંધ થઈ ગયું હતું. આટલા વર્ષો સુધી આરોપી ગુપ્ત વેશમાં રહેતો હતો. અંતે પોલીસને મળેલી બાતમીના આધારે તેને સુરતથી ઝડપી લેવામાં આવ્યો.