સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં વર્ષ 2022માં થયેલી ત્રણ મહિલાઓની હત્યાનો ભેદ ચાર વર્ષ બાદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં આરોપી દંપતી માધવદાસ ભક્તિરામ સાધુ અને તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા સામે કાર્યવાહી શરૂ કરી છે. પૂછપરછમાં દંપતીએ કબૂલ કર્યું છે કે તેમણે લકવાગ્રસ્ત માતાની સંભાળની જવાબદારીથી છૂટકારો મેળવવા અને દાદીની મિલકત કબજે કરવા માટે આ હત્યાઓ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી મુજબ, માધવદાસે પોતે જ પત્ની ઉર્મિલા અને તેના પિતરાઈ ભાઈ સામે હત્યાનો આરોપ મૂક્યો હતો. પોલીસે પિતરાઈ ભાઈની અટકાયત કરી પૂછપરછ કરતાં તે નિર્દોષ સાબિત થયો. આથી પોલીસને માધવદાસ પર શંકા ગઈ અને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં સમગ્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું. માધવદાસ 8 મહિનાથી પત્નીથી અલગ રહેતો હતો અને પત્ની પુત્ર, રોકડ તથા દાગીના લઈને જતી રહી હોવાથી તેણે અદાવત રાખીને પત્ની અને સાળાને ફસાવવા માટે આ બનાવટી વાર્તા રચી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માધવદાસની માતા મંજુલાબહેન લકવાગ્રસ્ત હોવાથી તેમની દૈનિક સેવા-ચાકરી કરવી પડતી હતી. આ જવાબદારીમાંથી મુક્તિ મેળવવા દંપતીએ મોઢા પર ઓશીકું દબાવીને તેમની હત્યા કરી અને પછી અગ્નિસંસ્કાર કરી દીધા હતા.
ત્યારબાદ દાદી શાંતાબહેનના મકાનો તથા રોકડ-દાગીના પચાવી પાડવા માટે તેમની સાથે રહેતી અને ટીબીથી પીડાતી પૌત્રી ભગવતીની પણ ઓશીકું દબાવીને હત્યા કરી લાશ દાટી દીધી હતી. અંતે શાંતાબહેનની હત્યા કરીને તેમનો મૃતદેહ બેરલમાં મૂકી, તેમાં સિમેન્ટ ભરીને જમીનમાં ખાડો ખોદીને છુપાવી દીધો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.