સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ઝડપાઈ, SMC કર્મચારી બનીને કરતી હતી ચોરી

સુરતમાં ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ઝડપાઈ, SMC કર્મચારી બનીને કરતી હતી ચોરી

સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરતી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના કર્મચારી હોવાનો ઢોંગ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિક સિગ્નલની મોંઘી બેટરીઓ ચોરી કરતી હતી. પોલીસે ગોડાદરા વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓની ઓળખ રાજેશકુમાર રામઆસરે તિવારી અને લાલમણી હરીશંકર પાન્ડે તરીકે થઈ છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ધોરણ 12 સુધી ભણેલા છે. મુખ્ય આરોપી રાજેશકુમાર પાંડેસરા જી.આઈ.ડી.સી.ની કપડાંની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરતો હતો, જ્યારે તેનો સાથીદાર લાલમણી પાન્ડે ગોડાદરામાં 'લક્ષ્ય બેટરી ઇન્વર્ટર' નામની દુકાન ભાડે રાખીને વેપાર કરતો હતો. ટૂંકા સમયમાં સરળતાથી પૈસા કમાવવા માટે તેમણે ચોરીનો રસ્તો અપનાવ્યો હતો.

સુરતમાં પાવર કટ દરમિયાન પણ ટ્રાફિક સિગ્નલો ચાલુ રહે તે માટે યુપીએસ અને બેટરી બેકઅપ રાખવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો બંધ રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આરોપીઓ બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સિગ્નલ બંધ રહેતા સમયનો લાભ ઉઠાવતા હતા. તેઓ SMCના ડ્રેસમાં જઈને બેટરીઓની ચોરી કરી લેતા હતા. જો કોઈ વાહનચાલક કે સ્થાનિક પૂછપરછ કરે તો તેઓ પોતાને મેન્ટેનન્સ સ્ટાફ ગણાવી બેટરી રિપેરિંગમાં લઈ જવાનું બહાનું બતાવતા હતા.

લોકોની ફરિયાદો વધતાં પોલીસ વિભાગે સિગ્નલનું મેન્ટેનન્સ કરતી એજન્સીને જાણ કરી હતી. કોન્ટ્રાક્ટરે તપાસ કરતા વિવિધ 55 જંકશન પરથી 155 બેટરીઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી વિવિધ 15 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદો નોંધાવવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા અને ગોડાદરા સહિત શહેરના 15 પોલીસ મથક વિસ્તારોમાં 55 પોઈન્ટ પરથી કુલ 155 બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીઓ જુલાઈ-2026થી આ રીતે ચોરીઓ આચરી રહ્યા હતા. રાજેશકુમાર બપોરના સમયે એક્ટિવા લઈને નીકળતો અને ટ્રાફિક સિગ્નલના પોલની પેટીનું લોક તોડીને અથવા ડુપ્લિકેટ ચાવી વડે ખોલીને બેટરીઓ કાઢી લેતો હતો. તે ચોરીની બેટરી લાલમણીને માત્ર ₹1,000માં વેચી દેતો અને લાલમણી તેને ભંગારમાં વેચીને નફો રળતો હતો.

પોલીસે આરોપીઓની પાસેથી 6 નંગ બેટરી, ડુપ્લિકેટ ચાવી, એક્ટિવા અને બે મોબાઈલ સહિત ₹1,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ બંને આરોપીઓને આગામી કાનૂની કાર્યવાહી માટે ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.