સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: ચીન-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો સાથે 5.50 લાખની ઠગાઈ, ટૂર ઓપરેટર ફરાર

સુરત: ચીન-હોંગકોંગ ટૂરના નામે 6 લોકો સાથે 5.50 લાખની ઠગાઈ, ટૂર ઓપરેટર ફરાર

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીન અને હોંગકોંગ પ્રવાસના નામે 6 લોકો પાસેથી 5.50 લાખ રૂપિયા લઈ ફરાર થયેલા ટૂર ઓપરેટર સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીનું નામ અભિષેક ઠક્કર હોવાનું પોલીસે જણાવ્યું છે.

પીપલોદના એક વેપારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, વેપારી સહિત 6 લોકોએ ઈન્સ્ટાગ્રામ મારફતે ટૂર્સ-ટ્રાવેલ્સ સંચાલક અભિષેક ઠક્કરનો સંપર્ક કર્યો હતો. આરોપીએ વ્યક્તિદીઠ 1.29 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવીને વિઝા, ફ્લાઈટ ટિકિટ અને હોટલ બુકિંગના નામે લાખો રૂપિયા ઓનલાઈન મેળવી લીધા હતા.

ત્યારબાદ આરોપીએ ગ્રાહકોને હોટલ બુકિંગના બનાવટી વાઉચરો મોકલ્યા હતા. જ્યારે બુકિંગ કરાવનારાઓએ ટૂર કેન્સલ કરીને પોતાના રૂપિયા પરત માગ્યા, ત્યારે આરોપીએ નાણાં આપવાની ના પાડી દીધી અને બાકીની રકમ માગતાં ફોન પર જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.

છેતરપિંડીનો અહેસાસ થતાં પીપલોદના વેપારીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં અભિષેક ઠક્કર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયા મારફતે થતી આવી નાણાકીય છેતરપિંડી સામે નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે. ટ્રાવેલ બુકિંગ માટે અધિકૃત એજન્સીઓનો જ ઉપયોગ કરવો અને મોટી રકમ ચૂકવતા પહેલાં એજન્સીની વિશ્વસનીયતા ચકાસવી હિતાવહ છે.