સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની રાત્રે ત્રણ શ્રમિક યુવાનોનાં કરંટથી મોત

સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની રાત્રે ત્રણ શ્રમિક યુવાનોનાં કરંટથી મોત

સુરતના અલગ-અલગ ઔદ્યોગિક વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવની રાત્રે માત્ર એક કલાકના ગાળામાં ત્રણ શ્રમિક યુવાનો વીજકરંટનો ભોગ બન્યા છે. આ ત્રણેય ઘટનાઓ રાત્રે ૨ થી ૩ વાગ્યાની વચ્ચે બની હતી, જેના કારણે ઔદ્યોગિક સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

પ્રથમ ઘટના સચિન જીઆઇડીસી વિસ્તારમાં બની હતી. સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ધીરજ કુમાર રાત્રે કામ કરતા હતા ત્યારે અચાનક સિલાઈ મશીન હટાવવા ગયા અને કરંટ લાગતાં ઢળી પડ્યા. ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. ધીરજના લગ્ન માંડ બે-ત્રણ મહિના પહેલાં જ થયા હતા, અને નવદંપતીનો સંસાર શરૂ થાય તે પહેલાં જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મૃતક ધીરજના ભાઈ સંતોષે જણાવ્યું કે ધીરજ સચિન જીઆઇડીસીમાં ક્લચ કંપનીમાં સિલાઈનું કામ કરતો હતો. તેણે રાત્રે કામ દરમિયાન સિલાઈ મશીન પકડતાં જ જબરજસ્ત કરંટ લાગ્યો અને તે ત્યાં જ પડી ગયો. સંતોષે આરોપ લગાવ્યો કે અગાઉ પણ મશીનમાં કરંટ આવવાની ફરિયાદ કરવામાં આવી હતી અને રિપેરિંગ કરનારને જાણ કરવામાં આવી હતી, પરંતુ શું રિપેર કરવામાં આવ્યું હતું કે નહીં તે જાણી શકાયું નથી.

બીજી ઘટના પાંડેસરા સ્થિત સહજ મિલમાં બની હતી. રાત્રિપાળીમાં સિલાઈ મશીન પર કામ કરી રહેલા ૨૧ વર્ષીય અનિલ શર્માને જોરદાર વીજકરંટ લાગ્યો હતો અને સારવાર મળે તે પહેલાં જ તેમણે દમ તોડી દીધો હતો. મૃતકના પરિવારે મિલ સંચાલકોની ઘોર બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કરી ન્યાયની માગ કરી છે. મૃતકના સંબંધી દિપક શર્માએ કહ્યું કે અનિલ ડાઇંગનું કામ કરી રહ્યો હતો, અને વોશરૂમમાંથી પાછા આવીને મશીન ચાલુ કરતાં જ તેને કરંટ લાગ્યો હતો.

ત્રીજી ઘટના લિંબાયત વિસ્તારમાં બની હતી. ૨૨ વર્ષીય કિશાન મિત્રા મશીનરી પર કામ કરતી વખતે વીજકરંટનો ભોગ બન્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે તે રાતે ડાઇંગ મશીનમાં કામ કરતો હતો અને તેને કરંટ લાગતાં મોત નીપજ્યું. પરિવારે કંપનીના માલિક સાથે વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું હતું, પરંતુ વધુ વિગત આપવાનો ઇન્કાર કર્યો હતો.

આ ત્રણેય ઘટનાઓ અલગ-અલગ ઔદ્યોગિક વિસ્તારોમાં બની હોવા છતાં સમયગાળો લગભગ સમાન હોવાથી ઔદ્યોગિક સલામતી અને ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સના અભાવ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. સચિન જીઆઇડીસી પોલીસે સીસીટીવીના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.