સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા એક બંધ કારખાનામાં ચોરીના ઈરાદે ઘૂસેલા બે ચોર જાતે જ ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. કારખાનામાં પ્રવેશ્યા બાદ બહાર નીકળવાનો રસ્તો ન મળતાં ચોરોએ આખરે ત્રીજા માળની બારીમાંથી બૂમો પાડી લોકોને બોલાવવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં દોડી આવેલી ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ કરી બંનેને બહાર કાઢતાં જ પોલીસે સ્થળ પરથી બંનેની અટકાયત કરી હતી.
મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતો 18 વર્ષીય રોશન સહાની પોતાના એક સગીર સાગરીત સાથે રવિવારે (27મી સપ્ટેમ્બર) સાંજે ચોરી કરવા નીકળ્યો હતો. બંનેએ ખટોદરા જીઆઈડીસી સ્થિત બમરોલી રોડ પર આવેલા એક બંધ કારખાનાને ટાર્ગેટ બનાવ્યું હતું. રવિવારની રજાનો લાભ ઉઠાવીને બંને કારખાનાની અંદર ઘૂસી તો ગયા, પરંતુ અંદર માલસામાન શોધવાના ચક્કરમાં તેઓ જે રસ્તેથી આવ્યા હતા તે જ ભૂલી ગયા હતા.
બહાર નીકળવાનો કોઈ માર્ગ ન મળતાં બંનેએ કલાકો સુધી દરવાજો શોધવા માટે મથામણ કરી હતી. આખરે અંદર જ પૂરાઈ રહેવાના ડરથી ગભરાઈને બંને ચોર ત્રીજા માળે પહોંચ્યા હતા અને બારીમાંથી નીચેથી પસાર થતાં લોકોને જોઈ જોરજોરથી બૂમો પાડવા લાગ્યા હતા. રાતના સમયે બંધ કારખાનામાંથી ચીસાચીસનો અવાજ આવતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બનાવ અંગે તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કારખાનું અંદરથી બંધ હોવાનું અને બંને જણા ત્રીજા માળે ફસાયેલા હોવાનું જોતાં ફાયર બ્રિગેડની મદદ માગી હતી. ફાયર વિભાગની ટીમે ત્રીજા માળની બારીના સળિયા કાપીને બંનેનું રેસ્ક્યૂ કર્યું હતું. બારીમાંથી નીચે ઉતરતાં જ બંને ચોરોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ સામે જ ઊભેલી પોલીસે બંને ચોરોને ઝડપી લીધા હતા. ખટોદરા પોલીસે રોશન સહાની અને તેના સગીર સાથીદાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.