સુરતના સરોલી વિસ્તારમાં આવેલા સંગીની હબ-૨ ટેક્સટાઇલ માર્કેટમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. માર્કેટના બીજા માળે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
ફાયર વિભાગને બપોરે ૩:૦૩ વાગ્યે આગની જાણ થતાં જ તાત્કાલિક ૨૨ ફાયર ટેન્ડરો અને ઝોનમાંથી વધારાના પાણીના ટેન્કરો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ડેપ્યુટી સી.એફ.ઓ. સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ટર્ન ટેબલ લેડર (TTL) અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેવા આધુનિક સાધનોની મદદથી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.
હાલ ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણમાં આવ્યું નથી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.