સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આજે આગ લાગી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ પર કાબૂ મેળવવા માટે 15થી 20 ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
ફાયર વિભાગની ટીમો TTL અને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ઊંચાઈ પર લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી કરી રહી છે. આ ઉપરાંત વોટર બાઉઝર, ફાયર એન્જિન અને ટેન્કરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આગના કારણે માર્કેટમાં ભારે ધુમાડો છવાઈ જતાં વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ છે. અંધારું અને ધુમાડો વધુ હોવાથી ફાયર ફાઇટર્સને આગ બુઝાવવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. માર્કેટના પેસેજમાં લાગેલી આગ હાલ કંટ્રોલમાં હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ પેસેજમાં માલસામાન પડેલો હોવાથી કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, આગની ઝપેટમાં 4થી 5 દુકાનો આવી હોવાનું સામે આવ્યું છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના જવાનો દ્વારા દુકાનોના શટર અને તાળા તોડીને અંદર પ્રવેશી આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.