સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં 8 અને 9 સપ્ટેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગ અકસ્માત નહોતી, પરંતુ ચેતનપૂર્વક લગાવવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને માર્કેટની છઠ્ઠા માળે આવેલી દુકાનમાં કામ કરતા એકાઉન્ટન્ટ વિનોદ સાવલેની ધરપકડ કરી છે.
સીસીટીવી ફૂટેજ અનુસાર, 33 વર્ષીય વિનોદે મોઢા પર સફેદ રૂમાલ બાંધીને અને ખભા પર બેગ લટકાવીને માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે બેગમાંથી પેટ્રોલ ભરેલી બોટલ કાઢી દુકાનની બહાર રાખેલા કાપડના બોક્સ પર છાંટી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા પ્રયાસમાં માચીસથી આગ ન લાગતાં તેણે બીજા પ્રયાસમાં આગ ભભૂકાવી દીધી હતી. આગ લાગતાં જ તે પેસેજ તરફ દોડી ગયો હતો અને પાછળ વળીને આગ બરાબર લાગી છે કે નહીં તેની ખાતરી પણ કરી હતી.
દુકાનોની બહાર મોટી સંખ્યામાં કાપડના પાર્સલ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેતાં 24 કલાક લાગ્યા હતા. આ ઘટનામાં 14 દુકાનો સળગીને ખાખ થઈ ગઈ હતી અને અંદાજે 24 કરોડ રૂપિયાનું કાપડ બળી ગયું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિનોદ પંડીત સાવલે શ્યામ સંગીની માર્કેટની દુકાન નંબર 639માં (જેકોર્પ ઇન્ડિયા અને જગદંબા ટેક્સટાઇલ) એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. એપ્રિલ 2026માં 30 હજાર રૂપિયાના પગારે નોકરી શરૂ કર્યા બાદ એકાઉન્ટનું કામ બરાબર ન આવડતાં માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જવર સાથે તેનો વિવાદ થયો હતો. જૂનમાં વિનોદે નોકરી છોડી દીધી હતી, પરંતુ તેને લાગતું હતું કે તેના 10 હજાર રૂપિયા લેવાના બાકી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં સામે આવ્યું છે કે વિનોદને તેનો પૂરો પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો, પરંતુ 10 હજારના ડિફરન્સની ગેરસમજમાં તેણે આ ખતરનાક પ્લાન બનાવ્યો હતો.
આ પ્લાન પાર પાડવા માટે વિનોદે દેવધ ગામના પેટ્રોલ પંપથી 150 રૂપિયાનું પેટ્રોલ પ્લાસ્ટિકની થેલી અને બોટલમાં ભરાવ્યું હતું. 8 સપ્ટેમ્બરની રાત્રે 9 વાગ્યે તે માર્કેટમાં ઘૂસી ગયો હતો અને પાંચમા માળે પગથિયાં પર સંતાઈને બેસી રહ્યો હતો. રાત્રે 12.30 વાગ્યે જ્યારે આખું માર્કેટ સુમસાન થઈ ગયું, ત્યારે તેણે માલિકની બંધ દુકાનની બહાર મૂકવામાં આવેલા કાપડના બોક્સ અને પાર્સલના જથ્થા પર પેટ્રોલ છાંટી માચીસ ચાંપી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટના બાદ સારોલી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગુનેગાર સુધી પહોંચવા માટે સુરત પોલીસના 'વિશ્વાસ પ્રોજેક્ટ' ફેઝ-2 અંતર્ગત લગાવવામાં આવેલા 1500થી વધુ સીસીટીવી કેમેરાનો બારીકાઈથી અભ્યાસ કરાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીનું બેકવર્ડ અને ફોરવર્ડ ટ્રેકિંગ કર્યું હતું. કેમેરાના ફૂટેજ પરથી આરોપી વિનોદની ઓળખ થઈ હતી અને તે ડિંડોલીના બીલીપત્ર રેસીડેન્સીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
ગુનો નોંધાયાના બીજા દિવસે જ્યારે સોશિયલ મીડિયા પર આગની ઘટના વાયરલ થઈ અને પોતાના પર એફઆઇઆર નોંધાઈ હોવાની જાણ થઈ, ત્યારે વિનોદ ગભરાઈ ગયો હતો. તેણે મોબાઇલ બંધ કરીને પત્ની અને બાળક સાથે સુરત છોડી દીધું હતું અને રાજસ્થાનના ખાટુશ્યામ મંદિર તેમજ અયોધ્યા ભાગી ગયો હતો. જોકે, પોલીસની ટીમો તેને સતત શોધી રહી હતી. જેવો તે ડિંડોલીના ફ્લાવર ગાર્ડન પાસે પરત ફર્યો, કે તરત જ બાતમીદારોની માહિતીના આધારે ગણપતિ બંદોબસ્તમાં એલર્ટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો હતો.
સુરતના એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, આરોપીએ માત્ર ત્રણ મહિના જ નોકરી કરી હતી અને કામ ન ફાવતાં જૂનના પહેલા અઠવાડિયામાં જ નોકરી છોડી દીધી હતી. હાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને તેનો પૂરો પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો, પરંતુ 10 હજારના ડિફરન્સની ગેરસમજમાં તેણે આ પ્લાન બનાવ્યો હતો. પોલીસે એવું પણ જણાવ્યું છે કે જે પેટ્રોલ પંપ પરથી આરોપીએ પેટ્રોલ ભરાવ્યું હતું, તેની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.