સુરતનો કાપડ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થઈ રહેલી ઉથલપાથલની સીધી અસર સુરત ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી પર દેખાઈ રહી છે. જેના કારણે કાપડ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ક્રુડ ઓઈલમાં થયેલા ભાવ વધારાએ કાપડ ઉદ્યોગકારોની કમર તોડી નાખી છે. ક્રુડ ઓઈલના ભાવ વધવાને કારણે ડાઈઝ કેમિકલ અને યાન (સૂતર) સહિત તમામ રો મટિરિયલના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉદ્યોગો માટે બોઈલર ચલાવવા જરૂરી કોલસાનો ભાવ પણ વધ્યો છે. અગાઉ કોલસો સસ્તા ભાવે મળતો હતો, તેના ભાવ વધીને સીધા 11 થી 13 હજાર રૂપિયા પ્રતિ ટન સુધી પહોંચી ગયા છે. તેની સામે પૂરતા પ્રમાણમાં લિગ્નાઈટનો જથ્થો ન હોવાથી કોલસાનો ભાવ જલદી સામાન્ય થવાની કોઈ જ શક્યતા દેખાતી નથી.
ઈંધણના ભાવ વધવાને કારણે દરિયાઈ માર્ગેથી માલ આવતો હોય કે બાય રોડ આવી રહ્યો હોય ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘણો વધ્યો છે. ગ્રે મેન્યુફેક્ચરિંગ લુમ્સ ચલાવનારાઓ અને યાનની ઈનપુટ કોસ્ટ ઘણી ઊંચી છે.
હાલ માર્કેટમાં ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે વેપારીઓ નવો માલ ભરવાનું જોખમ લેવાનું ટાળી રહ્યા છે. જૂનો તૈયાર માલ હજુ પૂરો વેચાયો નથી. ત્યારે વેપારીઓ જો અત્યારે મોંઘા ભાવે ગ્રે માલ ખરીદીને પ્રોસેસિંગમાં મુકે અને જો વેચાય નહીં તો પણ વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેમ છે. આ કારણોસર નવા ગ્રે માલની ખરીદી વેપારીઓએ મુલતવી રાખી છે.
એકતરફ ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી છે ત્યારે વેપારીઓ હવે લગ્નસરાની સિઝન પર મિટ માંડીને બેઠા છે. વેપારીઓ આશા સેવી રહ્યા છે કે લગ્નસરાની સિઝન દરમિયાન જો જોઈએ તેવી ખરીદી નીકળે તો તેમને મોંઘા ભાવે ખરીદેલા માલનું વળતર મળશે. હાલ તો સ્થિતિ એવી છે કે એક ની સાથે એક ફ્રીની ઓફર આપે છે છતાં મોંઘવારીને કારણે ગ્રાહકો પણ તેમની જરૂર પૂરતું જ ખરીદી રહ્યા છે.
આ અહેવાલ સુરતના ઉદ્યોગ જગતની વર્તમાન પરિસ્થિતિ દર્શાવે છે.