સુરતના કામરેજ તાલુકાના નવીપારડી ગામે એક કરુણ ઘટના બની છે. ખોડિયારનગર વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારનું એક વર્ષનું બાળક ઘરના આંગણે રમી રહ્યું હતું. તે દરમિયાન શેરીમાં ઊભેલા માલવાહક ટેમ્પાના ચાલકે પાછળ નજર કર્યા વિના વાહન રિવર્સ લીધું. આ બેદરકારીને કારણે ટેમ્પો બાળક પર ફરી વળ્યો અને બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
બાળકના પિતા નજર સામે જ આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
ઘટના બનતાં જ ટેમ્પો ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આરોપી ચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ગામમાં શોકનું મોજું ફેલાવ્યું છે અને વાહનચાલકોની બેદરકારીથી થતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.