સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂન 2024માં 13 વર્ષીય સગીરાના મોતના કેસમાં બે વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સગીરા સાથે મોત પહેલા દુષ્કર્મ આચરાયાનું સાબિત થયું છે. આ મામલે પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે.
શું હતો બનાવ? 8 જૂન, 2024ના રોજ મૃતક સગીરાના ભાઈએ પોલીસને જાણ કરી હતી કે તેની બહેનને અચાનક ઉલ્ટી અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. તેને 108 દ્વારા હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. તે સમયે મોત અકસ્માતી ગણાવીને પોસ્ટમોર્ટમ કરાયું હતું. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહના નમૂના લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.
હવે, બે વર્ષ પછી, સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગે પોલીસને ફાઈનલ કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ સોંપ્યું. રિપોર્ટમાં જણાવાયું કે બાળકીનું મોત ફેફસાની બીમારીથી થયું છે, પરંતુ તેના શરીર પર ઈજાના નિશાન અને ગુપ્ત ભાગમાં શારીરિક અત્યાચારના નિશાન તેમજ સીમેનના અવશેષ મળી આવ્યા છે. આથી પોલીસે પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી.
તપાસ દરમિયાન મૂળ ફરિયાદી સગીરાનો ભાઈ નેપાળ જતો રહ્યો હતો, પણ પોલીસે શાળા, દુકાનો અને પરિવારે બદલેલા મકાનોની મુલાકાત લઈને સાક્ષીઓની પૂછપરછ કરી. સામે આવ્યું કે સગીરાનો 45 વર્ષીય સાવકો પિતા તેની સાથે અવારનવાર મારપીટ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરીને DNA નમૂના લીધા. એફએસએલમાં આ નમૂના સગીરાના ગુપ્ત ભાગમાંથી મળેલા નમૂના સાથે 100 ટકા મેચ થતાં પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી.
સુરત શહેર ડીસીપી નિધિ ઠાકુરે જણાવ્યું કે, "અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2024માં 8 જૂનના રોજ એક અકસ્માત મોત દાખલ થયું હતું. પોસ્ટમોર્ટમમાં 13 વર્ષ 6 માસની છોકરીનું મોત ફેફસાની બીમારીના કારણે હોવાનું જણાયું હતું. હવે અંતિમ રિપોર્ટમાં પ્રાઈવેટ પાર્ટમાં સીમેનની હાજરી મળી આવી, જેના આધારે તપાસ કરતા આરોપી પકડાયો છે."