સુરતમાં અડાજણથી અઠવા ચોપાટી વચ્ચે તાપી નદી પરનો પહેલો મેટ્રો બ્રિજ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ શહેર માટે જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે નવી આર્થિક જીવાદોરી સાબિત થશે. બ્રિજ પરથી મુસાફરોને રિવરફ્રન્ટનો ભવ્ય નજારો માણવા મળશે.
આ મેટ્રો બ્રિજ શરૂ થવાથી રાંદેર, પાલ અને અડાજણ વિસ્તારના નાગરિકો તેમજ વેપારીઓને શહેરી ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ મળશે. મુસાફરો અડાજણથી મેટ્રોમાં બેસીને સીધા અંત્રોલી ખાતેના હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશને પહોંચી શકશે. GMRC દ્વારા સરોલીથી આગળ 4.4 કિમીનું વધારાનું વિસ્તરણ આયોજિત કરાયું છે, જેથી મુસાફરો મેટ્રો મારફતે અંત્રોલી પહોંચી સીધા મુંબઈ તરફ જતી બુલેટ ટ્રેન પકડી શકશે.
એન્જિનિયરિંગની દૃષ્ટિએ આ પ્રોજેક્ટમાં ભવિષ્યના જોખમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. વર્ષ 2006માં સુરતમાં આવેલા મહાવિનાશક પૂરના ટેકનિકલ ડેટાનો ગહન અભ્યાસ કર્યા બાદ, નદીના કુદરતી વહેણમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે સામાન્ય રીતે વપરાતા 25 મીટરના સ્પાનને બદલે 50 મીટરના 8 વિશાળ સ્પાન મૂકવામાં આવ્યા છે. કુલ 144 પ્રિકાસ્ટ સેગમેન્ટલ બોક્સ ગર્ડરથી સજ્જ આ બ્રિજ પર 764 મુસાફરોની ક્ષમતાવાળી મેટ્રો ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.
ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રિજના ડીપ-પાઈલ ફાઉન્ડેશન પર વિશેષ કામગીરી કરવામાં આવી છે. આ બ્રિજ સરદાર બ્રિજ અને પાલ-ઉમરા બ્રિજ કરતાં પણ 5થી 7 મીટર વધુ ઊંચો છે. શહેરમાં નોંધાયેલા હાઈએસ્ટ ફ્લડ લેવલથી તેને 7 મીટરનું વધારાનું સેફ્ટી ક્લિયરન્સ અપાયું છે. 23.5 મીટર ક્લિયરન્સ ધરાવતા અડાજણ કેબલ બ્રિજ બાદ આ મેટ્રો બ્રિજ સુરત શહેરનો બીજો સૌથી ઊંચો બ્રિજ બન્યો છે, જેની કુલ ઊંચાઈ લગભગ 20 મીટર જેટલી છે.
18.74 કિમી લાંબી સુરત મેટ્રો લાઇન-2 (ભેસાણથી સરોલી)નું કામ બે તબક્કામાં ચાલી રહ્યું છે, જેમાં સરોલીથી મજૂરા અને મજૂરાથી ભેસાણનો સમાવેશ થાય છે. આ લાઈનમાં સૌથી કપરું કામ તાપી નદી પર વાયડક્ટ ઊભો કરવાનું હતું. પેકેજ સીએસ-5 હેઠળ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા નદીમાં હંગામી જેટ્ટી બનાવીને પહેલાં ઊંડા પાઈલ ફાઉન્ડેશનનું નિર્માણ કરાયું હતું. મેટ્રોનો સમગ્ર રૂટ જમીન પર એલિવેટેડ હોવાથી, નદી પર પણ એલાઇન્મેન્ટ જાળવી રાખવા માટે આ બ્રિજને આટલી ઊંચાઈ પર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે.