સુરતના સચિન વિસ્તારમાં 17 વર્ષીય ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થી પિયુષ રાજેન્દ્ર ચૌરસિયાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરીક્ષા ચાલુ હોવાથી માતાએ મોબાઇલમાં ગેમ રમવાને બદલે અભ્યાસ કરવાનું કહેતાં આ ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, પિયુષ તેના પરિવાર સાથે સચિનના શિવનગર સ્થિત જય અંબે નગરમાં રહેતો હતો. તે ઘર નજીકની શાળામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા લુમ્સ ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પિયુષને મોબાઇલમાં ગેમ રમવાની લત હતી. હાલમાં તેની પરીક્ષા ચાલુ હોવાથી માતાએ તેને મોબાઇલ બંધ કરીને વાંચવા બેસવાની સલાહ આપી હતી.
આ વાતનું માઠું લાગતાં પિયુષે ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તેને તાત્કાલિક નીચે ઉતારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, કિશોરાવસ્થામાં માનસિક તણાવ અને ભાવનાત્મક દબાણ સામાન્ય છે. વાલીઓએ બાળકો સાથે ખુલ્લા મને વાતચીત કરવી જોઈએ અને તેમની ભાવનાઓને સમજવી જોઈએ. જો બાળકોમાં ચિંતા, ઉદાસીનતા કે વર્તનમાં અચાનક ફેરફાર જણાય તો તાત્કાલિક મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ.