દિવાળી અને આગામી છઠ પૂજાના તહેવારોને પગલે સુરતથી બિહાર, ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર અને પૂર્વ ભારત તરફ જતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. શનિવારથી ઉધના રેલવે સ્ટેશન પર એકસાથે વધુ મુસાફરો આવતા હોવાથી હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી અને રાત્રિના સમયે પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી.
ગત વર્ષે નોંધાયેલી ભીડની સરખામણીમાં આ વખતે મુસાફરોનો આંકડો લગભગ બમણો થઈ ગયો હોવા છતાં લાઈનસર વ્યવસ્થાને કારણે સ્ટેશન પર કોઈ મોટી અવ્યવસ્થા કે નાસભાગની સ્થિતિ સર્જાઈ નહોતી. લાઈનમાં ઊભા રહેતા મુસાફરોને વ્યવસ્થિત રીતે ટ્રેનમાં સીટ મળી રહી છે.
પશ્ચિમ રેલવેના ડીઆરએમ પંકજસિંગે જણાવ્યું કે, દિવાળીના કારણે શુક્રવારથી જ લોકો નીકળવા લાગ્યા હતા. શુક્રવારે પગાર અને શાળાઓમાં વેકેશન શરૂ થતાં લોકો એકસાથે સ્ટેશને પહોંચ્યા હતા. શુક્રવારે 6થી 7 સ્પેશિયલ ટ્રેનો અને નિયમિત ટ્રેનો મળીને અંદાજે 30થી 35 હજાર મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે શનિવાર-રવિવાર મળીને અગાઉ 15 હજાર મુસાફરો નોંધાતા હતા, ત્યારબાદ 25 હજાર થયા અને ગયા વર્ષે આ આંકડો 35 હજાર હતો. પરંતુ આ વર્ષે પાછલા તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને માત્ર શનિ-રવિમાં જ 50થી 60 હજાર મુસાફરોને વતન મોકલવાનું સંચાલન કરવામાં આવ્યું છે.
મુસાફરોને ઉધના સ્ટેશન પર વધુ સમય સુધી અટવાવું ન પડે તે માટે રેલવે દ્વારા રાઉન્ડ ધ ક્લોક ટ્રેનોનું શિડ્યુલ ગોઠવવામાં આવ્યું હતું. શનિવારે સવારે 5:30, 8:30, 10:10 વાગ્યે તાપ્તી ગંગા એક્સપ્રેસ, 11:30 અને બપોરે 1:00 વાગ્યે ટ્રેનો દોડાવવામાં આવી હતી. સાંજ પડતાં ફરી ભીડ વધતાં રાત્રે 10:00, 11:30, મોડી રાત્રે 1:30, વહેલી સવારે 3, 5, 7, 8 વાગ્યે અંત્યોદય એક્સપ્રેસ અને ત્યારબાદ તાપ્તી ગંગા તેમજ જયનગર સ્પેશિયલ સહિતની ટ્રેનો સતત દોડતી રાખવામાં આવી હતી.
ઉધના રેલવે સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનની દૃષ્ટિએ 7 અને 8 નવેમ્બર દરમિયાન માત્ર 15 કલાકના ટૂંકા ગાળામાં રેલવે પ્રશાસને 9 સ્પેશિયલ અને 3 રેગ્યુલર મળી કુલ 12 ટ્રેનોનું સંચાલન કરીને અંદાજે 43,500થી 43,800 મુસાફરોની અવરજવરનું વ્યવસ્થિત સંચાલન કર્યું હતું. જેમાં જયનગર, મધુબની, કાનપુર, બ્રહ્મપુર જેવા ઉત્તર અને પૂર્વ ભારતના મુખ્ય રૂટો પર દોડતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ છતાં પ્લેટફોર્મ નંબર 6 સહિત અન્ય પ્લેટફોર્મ પરથી યોગ્ય સંકલન અને સુચારુ આયોજન થકી તમામ કામગીરી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પાર પાડવામાં આવી હતી.
રાત્રિના સમયે અચાનક વધતી ભીડને કાબૂમાં રાખવા રેલવે દ્વારા ત્રણ વિશાળ 'યાત્રી સુવિધા કેન્દ્રો' કાર્યરત કરવામાં આવ્યા છે. કેન્દ્ર નંબર 1 સૌથી મોટું છે, જે આશરે 6,500 ચોરસ મીટરનું છે. કેન્દ્ર નંબર 2 અને 3 અનુક્રમે 2,500 અને 3,500 ચોરસ મીટર વિસ્તાર ધરાવે છે. 14થી 15 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ કેન્દ્રોમાં પીવાનું શુદ્ધ પાણી, વીજળી, પંખા, શૌચાલય, વધારાની ટિકિટ બારીઓ અને સીસીટીવી કેમેરા જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરાઈ છે. આ કેન્દ્રો 'બફર ઝોન' તરીકે કામ કરે છે, જ્યાં મુસાફરોને પહેલાં બેસાડવામાં આવે છે અને ટ્રેન આવ્યા બાદ ક્રમબદ્ધ રીતે લાઈન કરાવીને સીધા કોચ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી પ્લેટફોર્મ પર ધક્કામુક્કી થતી નથી.
બિહાર જઈ રહેલા મુસાફર મુન્ના કુમાર સિંહે જણાવ્યું કે, "સરકારે જયનગર સ્પેશિયલ ચલાવીને ઘણો સારો નિર્ણય લીધો છે. લાખો મુસાફરો જઈ રહ્યા હોવા છતાં પ્રશાસનનું વર્તન સહયોગી રહ્યું છે અને કોઈપણ પ્રકારની ધક્કામુક્કી વગર અમને લાઈનસર બોગીમાં બેસાડવામાં આવ્યા છે."
અંત્યોદય એક્સપ્રેસથી પરિવાર સાથે જઈ રહેલાં મહિલા મુસાફર નીલમ દેવીએ જણાવ્યું કે, થોડીવાર લાઈનમાં ઊભા રહેવું પડ્યું અને સમય આપવો પડ્યો, પરંતુ વેટિંગ એરિયામાં પંખા અને પાણીની વ્યવસ્થા ઘણી સારી હતી. પ્રશાસનની હાજરી હોવાથી નાસભા જેવો કોઈ માહોલ નહોતો અને અમને ટ્રેનમાં આરામથી બેસવાની જગ્યા મળી.