સુરતના ન્યૂ વીઆઈપી રોડ પર એક શખ્સ 'ઓન ડ્યુટી એસએમસી' લખેલી ટુ-વ્હીલર પર આવીને ફેરિયાઓ પાસેથી રૂપિયા માગતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધો હતો. ઘટના સમયે શખ્સ નશાની હાલતમાં હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
વીડિયોમાં એક મહિલાએ જણાવ્યું કે આ શખ્સ દરરોજ નશામાં આવીને ગરીબ ફેરિયાઓ પાસેથી પૈસા માગે છે અને તેમને હેરાન કરે છે. મહેનત કરીને પેટિયું રળતા ફેરિયાઓને આ રીતે ધમકાવવા સામે સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વીડિયોમાં મહિલા શખ્સને તમાચા મારતી પણ જોવા મળે છે.
લોકોએ તેની સાચી ઓળખ અને પાલિકાના ઓળખપત્ર (આઈ-કાર્ડ) અંગે પૂછપરછ કરી હતી. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કોઈ યોગ્ય ઓળખ આપી શક્યો નહોતો. ત્યારબાદ તે ટુ-વ્હીલર લઈને નાસવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ લોકોએ તેને રોકી લીધો.
શખ્સની ટુ-વ્હીલર પર 'ઓન ડ્યુટી એસએમસી' લખેલું હોવાથી તે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલો હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, તે ખરેખર પાલિકાનો કર્મચારી છે કે પછી પાલિકાની ઓળખનો દુરુપયોગ કરતો શખ્સ છે, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ અલથાણ પોલીસ મથકની હદમાં આવે છે કે અન્ય પોલીસ મથકની હદમાં, તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ હદ સ્પષ્ટ થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના પર સુરત મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પાલિકાનું આ મૌન શહેરીજનોમાં અનેક સવાલો ઊભા કરી રહ્યું છે.