સત્ય. સાહસ. સંકલ્પ.

પથારીવશ માતાની હત્યા: પતિ-પત્ની બન્યા સીરિયલ કિલર, પીપમાં લાશ છુપાવી

પથારીવશ માતાની હત્યા: પતિ-પત્ની બન્યા સીરિયલ કિલર, પીપમાં લાશ છુપાવી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસે કોસંબાના કબ્રસ્તાન ફળિયામાં આવેલા એક ઘરમાં ખાડો ખોદ્યો તો શાંતાબેનની લાશ મળી આવી. પોલીસ ચોંકી ગઈ કારણ કે માધવે કહ્યું હતું એ પ્રમાણે જ લાશ મળી. હવે પોલીસે બીજી બે હત્યા કોની થઈ હતી એ દિશામાં પૂછપરછ શરૂ કરી ત્યારે જે સામે આવ્યું એ ખરેખર ભયાનક હતું.

અફઝલ પરથી શંકાની સોય હટી ગઈ એટલે માધવ અને ઊર્મિલા કેન્દ્રમાં હતા. પોલીસે માધવને પૂછ્યું તો તેણે કહ્યું કે શાંતાબેનની પોતાની જમીન હતી. જેને વેચવાથી 4-5 લાખ રૂપિયા આવ્યા હતા. એ રૂપિયામાંથી શાંતાબેને અમૂક રૂપિયા વાપરી નાખ્યા હતા પણ દોઢ કે બે લાખ રૂપિયા ઘરમાં પડ્યા હતા.

શાંતાબેને પોતાના ઘરની બાજુમાં રહેલું બીજું એક ઘર પોતાની પુત્રી એટલે કે અફઝલની માતાને રહેવા માટે આપ્યું હતું. હાલમાં અફઝલ એ જ ઘરમાં રહેતો હતો.

માધવ અને ઊર્મિલાના મનમાં એવો મલીન વિચાર આવ્યો કે જો શાંતાબેન મરી જાય તો તેની બધી મિલકત અને રૂપિયા અમને મળી જાય. જેથી એ બન્ને પોતાના દીકરા અને દીકરીને લઈને વારંવાર કોસંબા રોકાવા જતાં અને શાંતાબેન સાથે નિકટતા વધારતા હતા. શાંતાબેનની ઉંમર મોટી હતી પણ તેઓ હજુ કડેધડે હતા, તેમને નખમાંય કોઈ રોગ નહોતો.

5 ઓક્ટોબર, 2022ના રોજ માધવ અને ઊર્મિલા ફરી એકવાર કોસંબામાં શાંતાબેનના ઘરે રોકાવા આવ્યા. આ વખતે બન્નેનો ઈરાદો શાંતાબેન પાસે રોકાવાનો નહોતો પણ તેમને ખતમ કરી નાખવાનો હતો. અહીં રોકાવા માટે તેમણે ઘરના સમારકામનું બહાનું શોધ્યું. બન્નેએ સિમેન્ટની 3 થેલીઓ મંગાવી લીધી હતી.

શાંતાબેનના ઘરે બન્ને 2 દિવસ રોકાયા. બીજી રાત થઈ. બધા સૂઈ ગયા. બસ આ જ સમયે ઊર્મિલા અને માધવ પોતાના પ્લાનને અંજામ આપવાના હતા. મોડી રાત્રે બન્ને જાગ્યા. પોતાના મોતથી અજાણ શાંતાબેન ગાઢ નિંદ્રામાં સૂતા હતા. ઊર્મિલાએ અચાનક તેમની પાસે જઈને બન્ને હાથ પકડી લીધા. આટલામાં શાંતાબેન જાગી ગયા. તેમને લાગ્યું કે આ શું છે? આંખ ઊઘાડી તો સામે ઊર્મિલા અને માધવ ઊભા હતા. હજુ તેમને બીજું કંઈ વિચારવાનો સમય મળે પહેલાં જ માધવ કાળ બનીને તેમના પર ત્રાટક્યો અને તેમના મોં પર ઓશીકું દબાવી દીધું. શાંતાબેનનો શ્વાસ રૂંધાવા લાગ્યો. થોડીવાર સુધી તરફડિયાં મારીને તે શાંત થઈ ગયા. આખી ઘટના સમયે ઘરમાં એ ત્રણ જ હાજર હતા. એમના સિવાય બીજું કોઈ નહોતું.

ઘરમાં પહેલેથી પ્લાસ્ટિકનું એક પીપ પડ્યું હતું. માધવ અને ઊર્મિલાએ શાંતાબેનની લાશ ઊંચકીને એ પીપમાં મૂકી દીધી અને તેના પર 3 થેલી સિમેન્ટ નાખીને પાણી રેડી દીધું. પીપને ઉપરથી સરખી રીતે ઢાંકીને બન્ને સૂઈ ગયા.

ત્રીજા દિવસે સવારે સૂરજ ઊગતાં જ શાંતાબેનના ઘરને તાળું મારીને બન્ને ધોળકાના વાલથેરામાં આવેલા પોતાના ઘરે આવતાં રહ્યાં. અહીં આવીને એ પતિ-પત્ની એમ જીવતાં હતા કે જાણે કંઈ જ નથી બન્યું.

આ ઘટના પછી અફઝલ અને બીજા સગાંએ માધવને ફોન કર્યો હતો કે દાદી ક્યાં છે? હજુ કોસંબા કેમ પાછા નથી આવ્યા? માધવે તેમને કહ્યું કે એ તો કોરોનામાં હોસ્પિટલમાં હતા, ત્યાં જ ગુજરી ગયા.

કોરોનાનો સમય હતો એટલે કોઈને પણ શંકા ન ગઈ. જ્યારે અફઝલ અને બીજા સગાંઓએ અંતિમ ક્રિયા વિશે પૂછ્યું તો માધવે કહી દીધું કે હોસ્પિટલે લાશ નથી આપી. જેથી પરિવારે બેસણાં અને બારમા જેવી અન્ય લૌકિક ક્રિયાઓ કરવાનું નક્કી કર્યું હતું.

થોડા દિવસો બાદ એવો ઘાટ સર્જાયો કે એકતરફ શાંતાબેનની લાશ તેમના જ ઘરમાં પડેલા પીપમાં સડી રહી હતી. બીજીતરફ લોકો એ પીપની બાજુમાં બેસીને શાંતાબેનના મરસિયાં ગાઇ રહ્યાં હતા.

આમને આમ સાડા ત્રણ મહિના વિતી ગયા. ઊર્મિલા અને માધવ કોસંબા આવ-જા કરતાં હતાં. એક દિવસ તેમણે વિચાર્યું કે કદાચ ક્યારેક કોઈ આવે અને પીપમાં સિમેન્ટ કેમ ભરેલી છે એવું કંઈ પૂછે તો આપણે ફસાઈ જઈશું, આના કરતાં લાશની બીજે ક્યાંક વ્યવસ્થા કરી નાખીએ. તેમણે ઘરની ઓસરીમાં જ પાંચેક ફૂટનો ખાડો ખોદ્યો. એ પછી પ્લાસ્ટિકના પીપને કાપીને સિમેન્ટમાં પથ્થર જેવી બની ગયેલી શાંતાબેનની લાશને બહાર કાઢી, ખાડામાં ગોઠવીને એની ઉપર માટી નાખીને ખાડો પાછો પૂરી દીધો.

થોડા દિવસો પછી ઘરમાં રિપેરિંગ કરાવ્યું. પોલીસ તપાસમાં આ હત્યા સહિત ત્રણ હત્યાઓનો ભેદ ખૂલ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.