સુરતના સરથાણા વિસ્તારમાં સોમવારે (19 ઓક્ટોબરે) સવારે 35 વર્ષીય પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. મહિલાના પતિ દ્વારા ગરબા રમવા મોડા આવવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો, જે બાદ તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં સાવલિયા સર્કલ નજીક સાવન પ્લાઝામાં રહેતી કિંજલ કાકડિયા (35) સોમવારે ઘરે એકલા હતા. તેમના પરિચિતે ઘરનો દરવાજો લાંબા સમય સુધી ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. બાદમાં પતિ સહિત અન્ય લોકોને જાણ કરવામાં આવી હતી. દરવાજો ધક્કો મારીને તોડીને અંદર જતાં કિંજલ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવી હતી.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને નીચે ઉતારીને હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ફોરેન્સિક વિભાગના ડો. સંદીપે જણાવ્યું કે, ફાંસો ખાવાથી શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયું હતું.
સરથાણા પોલીસ મથકના એએસઆઈ વિનોદભાઈએ જણાવ્યું કે, કિંજલ ગત રાત્રે સોસાયટીમાં ગરબા રમવા ગયા હતા અને મોડી રાત્રે ઘરે પરત આવ્યા હતા, જેથી પતિએ વહેલા ઘરે આવવા કહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે રકઝક થયા બાદ માઠું લાગતાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેમના પતિ આંજણા ફાર્મ ખાતે એમ્બ્રોઈડરીનું ખાતું ધરાવે છે અને તેમને એક પુત્ર તથા એક પુત્રી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.