સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ રાજકોટથી ઝડપાઈ

સુરત: બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ રાજકોટથી ઝડપાઈ

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટની અભિનંદન બંધેજ નામની દુકાનમાંથી કિંમતી સાડીઓની ચોરી કરવાના કેસનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. સાડી ખરીદવાના બહાને વેપારીને વાતચીતમાં વ્યસ્ત રાખીને નજર ચૂકવી ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગને વરાછા પોલીસે ઝડપી પાડી છે.

મહિલાઓની આ ગેંગ દુકાનમાં ગ્રાહક બનીને આવતી હતી. સાડી ખરીદવાના બહાને વેપારી સાથે વાતચીત કરતી હતી અને તેની નજર ચૂકવીને કિંમતી સાડીઓની ચોરી કરી ફરાર થઈ જતી હતી.

આ ચોરીનો ભેદ ઉકેલવા વરાછા પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે દુકાન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન ચારેય મહિલાઓ રાજકોટમાં હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે ત્યાંથી તેમને ઝડપી પાડી હતી.

પોલીસે મહિલાઓ પાસેથી ચોરી કરવામાં આવેલી આશરે 20 હજાર રૂપિયાની કિંમતની બે હાથ બનાવટની બાંધણી સાડીઓ કબજે કરી છે. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરીના વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી ચાર મહિલાઓને ઝડપી પાડી છે. હાલ પોલીસે ચારેય મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.