સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગી છે. માર્કેટના બીજા માળે આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ કામગીરી દરમિયાન એક ફાયર જવાન ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને પોલીસ આગની ઘટનાની તપાસ કરી રહ્યા છે.
કાપડ માર્કેટમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ કાપડનો જથ્થો, ગીચ દુકાનો અને ગોડાઉન, શોર્ટ સર્કિટ કે વાયરિંગ ઓવરલોડિંગ તથા યોગ્ય ફાયર એક્ઝિટનો અભાવ જેવા કારણો આવી દુર્ઘટનાઓ સર્જે છે. સાંકડી જગ્યાને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડે છે. આ ઘટનાએ માર્કેટોના ફાયર સેફ્ટી ઓડિટ અને સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો ઉભા કર્યા છે.