સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના સારોલીમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 10 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના સારોલીમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, 10 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. દુકાનોમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંગ્રહિત હોવાના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર માર્કેટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરના અલગ-અલગ 10 ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો અને ગાડીઓ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર અધિકારીઓ અને જવાનો સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ વ્યક્તિ ફસાયા હોવાના સમાચાર પણ નથી.

જોકે, એક જ અઠવાડિયામાં ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની આ બીજી ઘટના હોવાથી વેપારીઓમાં ચિંતા અને ફાળનું મોજું ફરી વળ્યું છે.