સુરતના સચીન વિસ્તારમાં આવેલી મહાવીર સોસાયટીના રહીશોએ શુદ્ધ પીવાના પાણીની માંગ સાથે રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તંગીનો સામનો કરી રહેલા આ રહીશોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિકોનું કહેવું છે કે તેઓ વારંવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા તરફથી પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. નિયમિત વેરા અને પાણીના બિલ ભરવા છતાં પીવા માટે શુદ્ધ પાણી કેમ મળતું નથી, તેવો સવાલ પણ રહીશોએ મહાનગરપાલિકાને કર્યો હતો.
વિરોધ પ્રદર્શનની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રોષે ભરાયેલા રહીશોએ પોલીસની વાત માનવા અનિચ્છા દર્શાવી હતી. લાંબી ચર્ચા બાદ આખરે રહીશોએ વિરોધ પ્રદર્શન અટકાવ્યું હતું.
જોકે, રહીશોએ ચેતવણી આપી છે કે જો મહાનગરપાલિકા તરફથી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં મળે તો આગામી સમયમાં તેઓ મનપા કચેરીનો ઘેરાવ કરશે.