સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના સચિનમાં વેસ્ટેજ કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના સચિનમાં વેસ્ટેજ કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના સચિન વિસ્તારમાં ઉન પાટિયા નજીક આવેલા વેસ્ટેજ કપડાના ગોડાઉનમાં બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 8 થી 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

ગોડાઉનમાં મોટી માત્રામાં વેસ્ટેજ કપડાનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયરકર્મીઓના અથાગ પ્રયાસો બાદ આગ પર આંશિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ કપડામાં રહેલા સંભવિત કેમિકલ યુક્ત તત્વોને કારણે આગ બુઝાવવાની કામગીરી પડકારજનક બની રહી હતી. ઘટના સમયે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, આગ કલાકો સુધી સળગતી રહી હોવાથી વાતાવરણમાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો અને દૂરથી ધુમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા.

આ ઘટના અંગે સ્થાનિકો અને નિષ્ણાતોએ GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અને ફાયર વિભાગની બેદરકારી અંગે સવાલો ઉઠાવ્યા છે. અગાઉ પણ સચિન વિસ્તારમાં આવા વેસ્ટેજ ગોડાઉનોમાં આગ લાગવાની બે થી ત્રણ ઘટનાઓ બની ચૂકી છે. દિવાળીના સમયથી સુરત શહેરમાં 100 થી વધુ નાના-મોટા આગ લાગવાના કોલ મળ્યા છે, જે દર્શાવે છે કે આવી ઘટનાઓ યથાવત રહી છે. મુખ્ય માર્ગો પર આવેલા આ પ્રકારના વેસ્ટેજ ગોડાઉનો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ સર્જી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા અને તેના કારણો તથા નુકસાન અંગેની તપાસ હજુ ચાલુ છે.