સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આઠ વર્ષની એક બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે, પરપ્રાંતીય પરિવારની આ આઠ વર્ષની બાળકી સવારે ઘર નજીક ખુલ્લામાં કુદરતી હાજતે ગઈ હતી. તે ત્યાંથી પરત ઘરે જઈ રહી હતી ત્યારે આરોપીએ તેની એકલતાનો લાભ લીધો. આરોપી સર્વેશ રામલખન નિશાદ (ઉંમર ૩૪, રહે. જાકીરની ચાલ, તિરુમાલા સોસાયટી, બરફ ફેક્ટરી પાસે, સચિન જીઆઈડીસી; મૂળ ખાનપુર, તા. મલવા, ફતેહપુર, ઉત્તર પ્રદેશ) બાળકીનો હાથ પકડીને જબરજસ્તીથી નજીકના અવાવરૂ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં લઈ ગયો હતો.
બાળકીએ તેનો બદઈરાદો પારખીને વિરોધ કર્યો હતો. આરોપીએ બે-ત્રણ તમાચા માર્યા બાદ બાળકીની ઇચ્છા વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે ધમકી પણ આપી હતી કે જો આ વાત તેની મમ્મીને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.
જોકે પીડા થતી હોવાથી બાળકીએ પોતાની સાથે થયેલા આ કૃત્યની જાણ તેની માતાને કરી. મામલો સચિન જીઆઈડીસી પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસે આરોપી સર્વેશ વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
પોલીસ પ્રમાણે, આરોપી છૂટક મજૂરી કરે છે. લગ્નના ત્રણ માસમાં જ તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી.