સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત: પિતાએ બંને હાથ પરના ઘા અંગે શંકા ઉઠાવી

સુરત સિવિલના રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત: પિતાએ બંને હાથ પરના ઘા અંગે શંકા ઉઠાવી

સુરતની નવી સિવિલ હોસ્પિટલના એનાટોમી વિભાગમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટર યોગેન પ્રજાપતિએ 24 સપ્ટેમ્બરે મેડિકલ નાઈફથી પોતાના હાથની નસ કાપીને આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ મૃતકના પિતા દિલીપ પ્રજાપતિએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે તેમના પુત્રની હત્યા થઈ હોઈ શકે છે અથવા ઘટનામાં કંઈક ઊંડું રહસ્ય છૂપાયેલું છે.

ડો. યોગેન ગાંધીનગરની 'સંવેદના ન્યુરો સાયકિયાટ્રી એન્ડ ઈઈજી ક્લિનિક'માં ઓપિયોઈડના વ્યસનની સારવાર લઈ રહ્યા હતા. તેમની સારવાર કરી રહેલા ડો. વિપુલ સી. પ્રજાપતિએ 7 જુલાઈના રોજ એક પ્રમાણપત્ર પણ આપ્યું હતું, જેમાં ડો. યોગેન વ્યસનથી પીડાઈ રહ્યા હોવાનો અને તેમની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હોવાનો ઉલ્લેખ છે. આ પ્રમાણપત્ર તપાસમાં નવી દિશા ખોલે છે.

મૃતકના પિતાએ જણાવ્યું કે ડો. યોગેનની સારવાર ખાનગી ડોક્ટર પાસે ચાલતી હોવાથી તેમણે એનાટોમી વિભાગના વડાને લેખિત સંમતિ આપી હતી કે તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગતા નથી અને જો આ સમયગાળા દરમિયાન યોગેનને કંઈ થાય તો જવાબદારી પિતાની રહેશે.

આપઘાત પહેલાં સવારે 9 થી 9:30 વાગ્યા આસપાસ ડો. યોગેને તેમના પિતા સાથે વીડિયો કોલમાં વાત કરી હતી. ડો. યોગેનના 5 મહિનાના નાના દીકરાએ વીડિયો કોલમાં દાદા સાથે વાત કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર વાતચીત દરમિયાન ડો. યોગેન કોઈ તણાવમાં દેખાઈ રહ્યા ન હતા, બધું સામાન્ય લાગી રહ્યું હતું.

બપોરે ડો. યોગેન જમવા આવ્યા હતા. જમ્યા બાદ તેમની પત્ની બપોરે 2 વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને બહાર ગઈ હતી. આ દરમિયાન જ ડો. યોગેને ડિસેક્શન હોલમાં આપઘાત કરી લીધો. થોડીવાર પછી તેમની પત્નીને ડિપાર્ટમેન્ટમાંથી તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા અને પિતાને ફોન પર જાણ કરાઈ હતી કે પુત્રને કંઈક વાગ્યું છે અને તેને ઈમરજન્સીમાં દાખલ કરાયો છે.

દીકરાના મોતના સમાચાર મળતાં જ ચિલોડા-મહુડી રસ્તેથી સુરત દોડી આવેલા પિતા દિલીપભાઈએ હોસ્પિટલ પહોંચીને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, "એ જે રૂમમાં હતો, ત્યાં આખી રૂમમાં લોહી જ લોહી છે. એના હાથમાં ઊંડા ઘા છે. આટલા ઊંડા ઘા કોઈ બંને હાથે કેવી રીતે કરી શકે? મારો દીકરો જમણેરી છે, તો ડાબા અને જમણા એમ બંને હાથ પર આટલા ઊંડા ઘા જાતે કેવી રીતે મારી શકે?"

ડો. યોગેને તાજેતરમાં જ પીજીના ત્રીજા વર્ષની એનાટોમી વિભાગની ફાઈનલ પરીક્ષા આપી હતી. 18મી તારીખે આવેલા પરિણામમાં તેઓ નાપાસ થયા હતા. જો તેઓ પાસ થયા હોત તો મેડિકલ કોલેજમાં પ્રોફેસર બની શક્યા હોત. પરીક્ષામાં નિષ્ફળતાના કારણે ડિપ્રેશનમાં સરી પડ્યા હોવાની અને તેથી જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, પિતા દિલીપભાઈએ આ વાત નકારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભૂતકાળમાં તેને ક્યારેય એટીકેટી આવી નથી. "એની લાસ્ટ ઈયરની પરીક્ષા હમણાં જ પૂરી થઈ હતી. કદાચ ખરાબ પરિણામ આવ્યું હોય, પણ એના લીધે મારો દીકરો આપઘાત કરે એવું મને જરાય લાગતું નથી," તેમણે કહ્યું.

દિલીપભાઈએ હોસ્પિટલ તંત્ર પર સીસીટીવી ફૂટેજ ન બતાવવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ સતત સીસીટીવી ફૂટેજ જોવા માંગે છે, પરંતુ હોસ્પિટલ આનાકાની કરી રહી છે.

ડો. યોગેનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા ડોક્ટરના આપઘાતની ઘટના સામે આવી છે, જેણે હોસ્પિટલના તબીબી કર્મચારીઓની માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અંગે પણ ચિંતા વધારી છે.