સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત રેલવે સ્ટેશન પર પોલીસ ચોકી બની મેટરનિટી વોર્ડ, TRB જવાન અને રેલવે તબીબે સફળ પ્રસૂતિ કરાવી

સુરત રેલવે સ્ટેશન પર પોલીસ ચોકી બની મેટરનિટી વોર્ડ, TRB જવાન અને રેલવે તબીબે સફળ પ્રસૂતિ કરાવી

સુરત રેલવે સ્ટેશન પરિસરમાં સોમવારે એક માનવીય ઘટના સામે આવી, જ્યાં ટ્રાફિક પોલીસ ચોકીમાં જ સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી. ખાખી વર્દીમાં રહેલી કડકાઈ પાછળ ઈશ્વરીય સંવેદના પણ ધબકતી હોય છે, તેનું જીવંત ઉદાહરણ સુરત રેલવે સ્ટેશન પર જોવા મળ્યું.

મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અમલાબેન બળવંતભાઈ વસોનીયા ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં પતિ અને નાની દીકરી સાથે વતન જવા નીકળ્યા હતા. 26 સપ્ટેમ્બરે બપોરે આશરે 3:20 વાગ્યે તેઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે અમલાબેનને અચાનક અસહ્ય પ્રસવપીડા ઉપડી હતી. પરિસ્થિતિ વણસતાં તેઓ સ્ટેશન બહાર ટ્રાફિક પોલીસ ચોકી નજીક ઢળી પડ્યા હતા.

પત્ની દર્દથી કણસતી હતી, ત્યારે લાચાર પતિ બળવંતભાઈએ ચોકી પર ફરજ બજાવતા TRB જવાન પ્રવીણભાઈ ખતવાસેને 108 એમ્બ્યુલન્સ બોલાવવા વિનંતી કરી હતી. જો કે, હોસ્પિટલ પહોંચવાનો સમય ન હોવાનું સમજી પ્રવીણભાઈએ તાત્કાલિક રેલવે હોસ્પિટલના મેડિકલ ઓફિસરને બોલાવવા દોડ્યા હતા. બીજી તરફ અન્ય જવાનોએ મહિલાને સુરક્ષિત રીતે ચોકીની અંદર ખસેડી લીધી હતી.

પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતાં સાથી જવાન રાહુલ, મેહુલ, મિથુન અને પિન્ટુએ નજીકની હોટેલમાંથી તાબડતોબ ચાદરો લાવી ચોકીમાં ચારે તરફ આડશ ઊભી કરી દીધી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા રેલવે મેડિકલ ઓફિસર ડો. કૌશિક પટેલે સૂઝબૂઝ વાપરી સફળ અને સામાન્ય પ્રસૂતિ કરાવી હતી. બાળકીના જન્મની સાથે જ તણાવભર્યા વાતાવરણ વચ્ચે નવજાતનો રડવાનો અવાજ ગૂંજતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રસવપીડાથી કણસતી માતાની આ હાલત જોઈ પિતા બળવંતભાઈની સાથે તેમની નાની દીકરી પણ ભારે ડઘાઈ ગઈ હતી. અજાણ્યા સ્થળે માતાની આવી ગંભીર અવસ્થા જોઈ માસૂમ બાળકી અમલાબેનના માથા પાસે બેસી ગઈ હતી. તેના ચહેરા પર માતાની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. જ્યાં સુધી બાળકીનો જન્મ ન થયો ત્યાં સુધી તે સતત ઈશ્વરને પ્રાર્થના કરતી હોય તેમ માતાને વળગી રહી હતી.

સફળ ડિલિવરી બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે માતા અને નવજાત બાળકીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. ટ્રાફિક ડીસીપી પન્ના મોમાયા અને એસીપી સાહિલ ટંડેલના માર્ગદર્શન હેઠળ ખાખી વર્દીવાળાઓની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને પગલે સમગ્ર શહેરમાં પોલીસ તથા TRB જવાનો પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

સુરત ટ્રાફિક પોલીસ રીજન-2ના ઈન્ચાર્જ એસીપી એસ.આર. ટંડેલે વિગતો આપતા પુષ્ટિ કરી હતી કે, મહિલા અત્યંત પીડામાં હોવાની જાણ થતાં જ ટ્રાફિક પોઇન્ટ પર હાજર જવાનોએ સરાહનીય તત્પરતા દાખવી હતી. મહિલાને સુરક્ષિત રીતે ચોકીમાં લઈ જવાઈ હતી અને રેલવેના ઇમરજન્સી ડોક્ટરની મદદથી સુરક્ષિત પ્રસૂતિ શક્ય બની હતી.