મુંબઈમાં અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના શકમંદોની શોધખોળમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન પર ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે સ્થાનિક રેલવે પોલીસ (RPF)ને શકમંદોના ફોટા પણ દર્શાવવામાં આવ્યા નહોતા.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. તેણે RPF સ્ટાફને માત્ર સીસીટીવી સર્વેલન્સ ક્યાં છે તે અંગે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ પોતે સર્વેલન્સ રૂમમાં ગોઠવાઈને ફૂટેજ તપાસવા લાગ્યા હતા. શકમંદોના ફોટા તેમની પાસે હોવા છતાં સુરક્ષા અને ગોપનીયતાના કારણોસર સ્થાનિક RPFને બતાવવામાં આવ્યા નહોતા, જેથી RPF અધિકારીઓને આ કેસની વિગતોની જાણ થઈ શકી નહોતી.
શકમંદો પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થયા હોવાની આશંકા હતી, જે રાત્રે આશરે 1:35 વાગ્યે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આવી હતી. જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ જ્યારે સુરત સ્ટેશને તપાસ માટે પહોંચી ત્યારે આ ટ્રેન સુરતથી નીકળીને રતલામ પહોંચી ચૂકી હતી. ટ્રેન પહેલેથી જ નીકળી ગયા બાદ સુરત RPFને કોઈ એલર્ટ આપવામાં આવ્યો નહોતો. સ્થાનિક રેલવે પોલીસને આ સમગ્ર મામલાની જાણ સવારે આશરે 11 વાગ્યે થઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચે રાત્રે દોઢ વાગ્યાના સીસીટીવી ફૂટેજમાં પુણે-જયપુર ટ્રેનના જનરલ કોચ તરફ જતા મુસાફરોની ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે, આરોપીઓ સુરતથી જ ટ્રેનમાં સવાર થયા હતા કે કેમ તેની ચોક્કસ પુષ્ટિ સ્થાનિક પોલીસ પાસે નથી. આ મામલો અત્યંત હાઈ-પ્રોફાઈલ અને ગુપ્ત હોવાથી સુરત RPFએ તેમાં કોઈ વિશેષ દખલગીરી કરી નહોતી, જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ જરૂરી વિગતો એકત્ર કરીને આગળની તપાસમાં લાગી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરનારા હુમલાખોરોને 15 કલાકમાં રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી પકડી લેવામાં આવ્યા હતા. ટાઇગર પર રવિવારે મોડી રાત્રે 7 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. કોટા રેલવે સ્ટેશન પરથી ત્રણેય આરોપીઓની ધરપકડનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. આરોપીઓની ધરપકડ સવારે સાડા 10 વાગ્યે કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ કોટા પોલીસે 15 મિનિટમાં કાર્યવાહી કરી હતી. કોટાના એસપી તેજસ્વિની ગૌતમના જણાવ્યા મુજબ, ત્રણેય પુણે-જયપુર એક્સપ્રેસથી જયપુર જઈ રહ્યા હતા. તેમને જનરલ કોચમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી કોઈ હથિયાર મળી આવ્યું નથી.