સુરતના પુણાગામ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે. અંજની સોસાયટીની મહિલાઓએ આજે ખાલી ડોલ, ટબ અને બેડાં લઈને રસ્તા પર ઊતરીને પાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહિલાઓનો આક્ષેપ છે કે સોસાયટીમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી, અને જે પાણી આવે છે તે પીળું અને દૂષિત હોય છે. આના કારણે રોજિંદા વપરાશમાં ભારે તકલીફ પડી રહી છે અને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. તેમણે વારંવાર પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતાં આજે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
મહિલાઓએ રસ્તા પર બેસીને વાસણો ખખડાવીને પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયાએ વિગતો આપી હતી. મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે શુદ્ધ અને પૂરતા પ્રેશરમાં પાણીનો પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પાલિકાની ઝોન ઓફિસ ખાતે માટલા ફોડીને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
શહેરમાં પાણીની ગુણવત્તા અને પુરવઠા અંગે અવારનવાર ફરિયાદો ઊઠે છે. પુણાગામની આ ઘટનાએ પાલિકાની વોટર સપ્લાય સિસ્ટમ પર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે પાલિકા તંત્ર મહિલાઓની આ ગંભીર ફરિયાદનો કેટલી ઝડપથી નિકાલ લાવે છે.