દિવાળીના તહેવારો દરમિયાન વતન જવા નીકળેલા મુસાફરો પાસેથી ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા મનફાવે તેમ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી છે. ખાનગી બસોના ભાડામાં ત્રણ ગણો વધારો કરીને મુસાફરોની લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
નાગરિકોની મળેલી ફરિયાદોના આધારે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે ખાનગી લક્ઝરી બસો તહેવારોમાં ભાડા વધારીને ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. તેમણે કહ્યું કે સામાન્ય દિવસોની સરખામણીમાં ત્રણ ગણું ભાડું વસૂલવામાં આવતું હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને ભારે આર્થિક મુશ્કેલીનો સામે કરવો પડી રહ્યો છે.
દિવાળી જેવા તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જવા માટે બસનો સહારો લેતા હોય છે. આ તકનો લાભ ઉઠાવી ખાનગી બસ સંચાલકો ભાડામાં બેફામ વધારો કરી રહ્યા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.
કુમાર કાનાણીએ સરકાર સમક્ષ ખાનગી લક્ઝરી બસોના મનસ્વી ભાડા વધારા પર અંકુશ લાવવા અને મુસાફરોની થતી આર્થિક લૂંટ અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે તહેવારોના સમયમાં મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવીને કરવામાં આવતી આવી વસૂલાત સામે નિયંત્રણ જરૂરી છે.
આ સાથે ધારાસભ્ય કાનાણીએ નાગરિકોને અપીલ કરી છે કે શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ સરકારી બસોનો ઉપયોગ કરે જેથી ખાનગી બસ સંચાલકોની મનમાનીથી બચી શકાય. દિવાળીના તહેવાર દરમિયાન ખાનગી બસોના ભાડામાં થઈ રહેલા વધારાને લઈને હવે રાજકીય સ્તરે પણ વિરોધ શરૂ થયો છે. ત્યારે સરકાર આ મામલે કેવા પગલાં ભરે છે અને મુસાફરોને રાહત મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.