સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી. પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં શનિવારે સાંજે ભોજન બાદ 85 વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ઉલટી-ઉબકાની ફરિયાદ થઈ હતી. હોસ્ટેલમાં કુલ 2200 જેટલા વિદ્યાર્થીઓ રહે છે.
ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સ્ટાફે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક પી. પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તેમાંથી 73 વિદ્યાર્થીઓને સામાન્ય તકલીફ હોવાથી પ્રાથમિક OPD સારવાર આપી રજા આપવામાં આવી હતી. જ્યારે 15 થી 17 વર્ષની વયના 12 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાં 9 વિદ્યાર્થીનીઓ અને 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સારવાર બાદ 4 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, જ્યારે હાલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે.
સુરત મનપાના ઝોનની સેનીટેશન ટીમ અને ફૂડ વિભાગની ટીમે હોસ્ટેલના કેન્ટીન અને કિચનમાં દરોડો પાડી ખાદ્યસામગ્રી તથા રસોડાની સ્વચ્છતાની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન ખોરાકના કુલ 6 નમૂના એકત્ર કરી લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યે દાખવવામાં આવેલી ગંભીર બેદરકારી બદલ મનપાએ શાળા સંસ્થાને નોટિસ આપી છે.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓને તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્ટેલ પરિસરમાં જ વિશેષ OPD સેવા શરૂ કરી છે.