સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં વીજ સંકટ: દિવાળી પહેલા ઉદ્યોગોને રોજ 300 કરોડનું નુકસાન

સુરતમાં વીજ સંકટ: દિવાળી પહેલા ઉદ્યોગોને રોજ 300 કરોડનું નુકસાન

દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટે ઉદ્યોગોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા સુરત, ભરૂચ, નવસારી અને વલસાડના ઔદ્યોગિક વિસ્તારોમાં અઠવાડિયામાં એક દિવસ આઠ કલાકનો વીજકાપ લાદવામાં આવ્યો છે. આના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને રોજનું ઉત્પાદન 300 કરોડ રૂપિયા જેટલું ઘટ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં ફેક્ટરીઓ બંધ રહેતાં દૈનિક વીજ વપરાશ 134 મિલિયન યુનિટથી ઘટીને 126 મિલિયન યુનિટ થઈ ગયો છે. દિવાળી પહેલા 5.97 ટકાનો આ ઘટાડો ટેક્સટાઇલ પ્રોસેસિંગ, વીવિંગ, ડાઈંગ અને કેમિકલ એકમોને સીધો અસર કરી રહ્યો છે.

વીજકાપને કારણે ઉદ્યોગોને લાખો-કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. પ્રોસેસિંગ મિલોમાં કામ ચાલુ રાખવા જનરેટરનો સહારો લેવો પડે છે, જેના કારણે 400થી 450 મિલોને ચાર અઠવાડિયામાં 40થી 50 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. દરેક મિલને સરેરાશ 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. વીવિંગ સેક્ટરમાં પણ એક દિવસમાં 15થી 20 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કાચા માલના ભાવમાં વધારો થયો હોવાથી આ સ્થિતિ વધુ ગંભીર બની છે.

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારિયાએ જણાવ્યું કે, છેલ્લા 12-13 દિવસમાં અચાનક મીટિંગ કરીને વીજકાપ લાદવામાં આવ્યો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડ, કોલસો અને ડાઈસ કેમિકલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. આવા સંજોગોમાં પાવરનો વધારાનો 8થી 10 લાખનો મહિને ખર્ચ આવે તો નફો કમાવવાની કોઈ શક્યતા નથી. મારા 50 વર્ષના ઈતિહાસમાં આટલો કપરો સમય મેં જોયો નથી. કોરોના કુદરતી આફત હતી, પણ આ માનવસર્જિત છે.

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે, વીવિંગ ઉદ્યોગમાં 45થી 48 હજાર યુનિટ કાર્યરત છે. દિવાળીના સોદા પૂરા કરવાના હોય, ઓર્ડર ડિસ્પેચ કરવાના હોય અને કારીગરોને પગાર-બોનસ આપવાના હોય ત્યારે આ કાપ નુકસાનકારક છે. તેમણે વીજકાપનો સમય બદલવાની માંગ કરી છે.

અચાનક વીજ પુરવઠો બંધ થવાથી મશીનોમાં લાગેલા 5,000થી 50,000 રૂપિયા સુધીના ઈલેક્ટ્રોનિક કાર્ડ બળી જવાના કિસ્સા બન્યા છે. મશીન બંધ કરવું સહેલું છે, પણ ફરી શરૂ કરવામાં બે કલાક લાગે છે. અગાઉથી જાણ કર્યા વિના થતા પાવર કટથી મોટી ખાનખરાબી થાય છે. જો 15 મિનિટ પહેલા જાણ કરવામાં આવે તો મશીનો વ્યવસ્થિત બંધ કરી શકાય અને નુકસાન અટકાવી શકાય.

નિકાસ અને સ્થાનિક માંગ પર પણ આ સંકટની અસર થઈ છે. આંતરરાષ્ટ્રીય ભાવવધારાને કારણે ગ્રે કાપડ અને પ્રોસેસિંગ ચાર્જ વધતા દિવાળી હોવા છતાં માર્કેટમાં અડધી જ માંગ છે. અશોકભાઈના મતે સારી ગુણવત્તાનું કપડું બનાવવા અવિરત વીજળી જરૂરી છે. વીજકાપથી કાપડમાં ડિફેક્ટ આવે છે, જે વિદેશી બજારમાં ચાલતું નથી. ચીનની જેમ 8 દિવસમાં ડિસ્પેચિંગ આપવું હોય તો ગુણવત્તાયુક્ત પાવર અનિવાર્ય છે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો ચારે બાજુથી દબાણમાં છે. એક તરફ આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે વધેલી મોંઘવારી અને ઘટેલી માંગ, બીજી તરફ સરકારનો આઠ કલાકનો કડક વીજકાપ. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો અને MSME એકમો માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે. જો તાત્કાલિક વીજકાપના સમયમાં યોગ્ય ફેરફાર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સુરતની અનેક ફેક્ટરીઓને તાળા મારવાની ફરજ પડી શકે છે, જેની સીધી અસર લાખો કારીગરોની રોજગારી પર પડશે.

વીજ સંકટના કારણોમાં વરસાદ ઓછો પડવાને કારણે ડેમના પાણીમાંથી ઉત્પન્ન થતી વીજળીમાં ઘટ આવી છે. જો ડેમનું પાણી વીજળી બનાવવામાં વપરાય તો પીવા અને સિંચાઈ માટે પાણીની અછત સર્જાય. કોલસાની ખાણો ધરાવતા વિસ્તારોમાં પણ ઉત્પાદન ઘટ્યું છે.