સુરતના વરાછા રોડ પર આવેલા રેલવે પોલીસ લાઇન કેમ્પસમાં શનિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. પોદાર આર્કેડ નજીક આવેલા આ કેમ્પસમાં એક ઝાડમાં આગ લાગી હતી, જે ઝડપથી ફેલાઈને ત્યાં પાર્ક કરેલા વાહનો સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનામાં પોલીસે જપ્ત કરેલી 26 બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આગની જાણ થતાં કાચીશેરી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ પણ જપ્ત કરાયેલા વાહનોમાં આગ લાગવા અંગે તપાસ કરી રહી છે.