સત્ય. સાહસ. સંકલ્પ.

સાંસદ ગોવિંદ ધોળકિયાનો ડીપફેક વીડિયો બનાવનાર મેવાતી ગેંગના બે આરોપી હરિયાણાથી ઝડપાયા

સાંસદ ગોવિંદ ધોળકિયાનો ડીપફેક વીડિયો બનાવનાર મેવાતી ગેંગના બે આરોપી હરિયાણાથી ઝડપાયા

સુરત: રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ડીપફેક વીડિયો બનાવીને લોકોને છેતરતી મેવાતી ગેંગના બે આરોપીઓને સુરત સાયબર ક્રાઈમ સેલે હરિયાણાના નૂહ જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ 'ઓલ્ડ કોઈન' એટલે કે જૂના સિક્કા ખરીદવાના બહાને લોકોને છેતરવાનું ષડયંત્ર રચ્યું હતું.

સાયબર ક્રાઈમ સેલના જણાવ્યા મુજબ, આરોપીઓએ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ ગોવિંદ ધોળકિયાના ફોટા અને વીડિયોનો ઉપયોગ કર્યો હતો. માસ્ટરમાઈન્ડ ઇર્ષાદ ખાને ChatGPTનો ઉપયોગ કરીને આ સામગ્રીના આધારે ફેક વોઇસ ઓવર તૈયાર કર્યો અને લોકોને જૂના સિક્કાના બદલામાં મોટી રકમ મળવાની લાલચ આપતી સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે સાંસદ સોશિયલ મીડિયા પર લોકપ્રિય હોવાથી આરોપીઓએ તેમને ટાર્ગેટ કર્યા હતા.

આરોપીઓએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને WhatsApp પર 'Govind Bhai' તથા 'Old Coin Company' નામે નકલી પ્રોફાઇલ બનાવી હતી. લોકોનો વિશ્વાસ વધારવા માટે ગોવિંદ ધોળકિયાના નામે બનાવટી PAN કાર્ડ અને આધારકાર્ડ પણ તૈયાર કરાયા હતા. ભોગ બનનાર વ્યક્તિ વીડિયો જોઈને સંપર્ક કરે ત્યારે આરોપીઓ પોતાને ગોવિંદભાઈ ધોળકિયા તરીકે ઓળખાવતા અને જૂના સિક્કા કે નોટની મોટી કિંમત મળશે તેવી લાલચ આપતા હતા.

ભોગ બનનાર વ્યક્તિ જાળમાં ફસાય ત્યારબાદ આરોપીઓ રજીસ્ટ્રેશન ફી, RBI ચાર્જ, ડિલિવરી ચાર્જ સહિતના અલગ-અલગ બહાના કાઢીને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આ રીતે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા.

પોલીસ તપાસમાં ઇર્ષાદ ખાનને સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવ્યો છે. ઇર્ષાદે BA સુધી અભ્યાસ કર્યો છે. તેણે ગોવિંદ ધોળકિયાના પબ્લિક ડોમેનમાં રહેલા ફોટા અને વીડિયો ChatGPTમાં અપલોડ કર્યા હતા. ત્યારબાદ જૂના સિક્કાના બદલામાં કરોડો રૂપિયા મળવાની લાલચ આપતી સ્ક્રિપ્ટ તૈયાર કરી ફેક વોઇસ ઓવર બનાવ્યો હતો. વીડિયોમાં સંપર્ક માટે આપવામાં આવેલો WhatsApp નંબર તેના સાગરીત પરવેઝનો હતો. પરવેઝે મદરસામાં બે વર્ષ ઉર્દૂનો અભ્યાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમની ડાયરીમાંથી 10 બેંક એકાઉન્ટની વિગતો મળી આવી હતી. પોલીસ દ્વારા આ એકાઉન્ટની તપાસ કરતાં સમગ્ર ભારતમાંથી કુલ 9 NCRP ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં આરોપીઓ દ્વારા ફેક વીડિયો સહિતની છેતરપિંડીના ગુનાઓ મારફતે કુલ રૂ.9.64 કરોડના ટ્રાન્ઝેક્શન અને ફ્રોડ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતના કેટલાક નાગરિકો પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસની વધુ પૂછપરછમાં ગેંગની અન્ય ગુનાહિત પદ્ધતિ પણ સામે આવી છે. આરોપીઓ અજાણ્યા લોકોને વીડિયો કોલ કરતા અને કોલનું રેકોર્ડિંગ કરી ત્યારબાદ બ્લેકમેલિંગ કરીને પૈસા પડાવતા હતા. આ પ્રકારની સેક્સ્ટોર્શનની ઘટનામાં રાજકોટનો એક વ્યક્તિ પણ ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સુરત પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી છે.

સાંસદ ગોવિંદ ધોળકિયાને સોશિયલ મીડિયા પર તેમનો ફેક વીડિયો વાયરલ થવાની જાણ થતાં તેમણે તાત્કાલિક સુરત સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ડીપફેક વીડિયોના કારણે નિર્દોષ લોકો છેતરાઈ શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમ સેલે ટેક્નિકલ તપાસ હાથ ધરી મેવાતી ગેંગના નેટવર્ક સુધી પહોંચીને બે આરોપીઓની ધરપકડ કરી હતી.

ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુરત પોલીસની ટીમે હરિયાણાના નૂહ જિલ્લાના ઢાઢોલા ગામમાં રેકી કરી હતી. ત્યારબાદ 25 વર્ષીય પરવેઝ અને 30 વર્ષીય ઇર્ષાદની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન ગામની મહિલાઓ એકત્ર થઈ વિરોધ કરવા લાગી હતી. જોકે, સ્થાનિક પોલીસની મદદથી બંને આરોપીઓને સુરત લાવવામાં આવ્યા હતા.