ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે વરસાદના કારણે સુરતના 14 યાત્રીઓનું એક જૂથ ફસાઈ ગયું છે. આ જૂથ અલથાણ વિસ્તારના રહેવાસીઓનું છે અને બાબા કેદારનાથના દર્શન માટે ગયું હતું. હવામાન ખરાબ થતાં તેઓ ત્યાં જ અટવાઈ પડ્યા હતા. અત્યાર સુધીમાં ત્રણ સભ્યોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 11 લોકો હજુ મુશ્કેલીમાં ફસાયેલા છે.
આ પરિસ્થિતિમાં અલથાણના રંજનબેન પંચાલે કેદારનાથથી એક ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તેઓ રડતાં-રડતાં કહે છે, 'હું રંજન પંચાલ... અમે પરમ દિવસે કેદારનાથ આવ્યા છીએ. સતત વરસાદને કારણે અમે અહીં ફસાયા છીએ. ગુજરાત સરકારને અપીલ કરું છું કે અમને અહીંથી સારી રીતે અમારા સ્થળે પહોંચાડવા માટે મદદ કરે. અમારા ગ્રૂપમાં ઘણા લોકો છે. પ્લીઝ અમને મદદ કરો...' આટલું કહેતાં જ તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં હતાં.
વીડિયોના અંતમાં રંજનબેને કેમેરો ફેરવીને આસપાસ ફસાયેલા અન્ય શ્રદ્ધાળુઓ, ખુલ્લા આકાશ નીચે તંબુઓમાં આશરો લઈ રહેલા લોકો અને પહાડો પર છવાયેલા ધુમ્મસભર્યા વાતાવરણની સ્થિતિ દર્શાવી છે. બીજી તરફ, સુરતમાં રહેતા તેમના પરિવારજનો પણ આ વીડિયો સામે આવ્યા બાદ ભારે ચિંતા અને ફફડાટમાં મુકાઈ ગયા છે. સ્થાનિક પ્રશાસન પૂરતી માહિતી કે સહાય ન આપતું હોવાથી હવે ગુજરાત સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તાત્કાલિક ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્ક સાધી તમામ 11 નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત પરત લાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.