સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ વેચતી ફાર્મસી પર પોલીસ-ડ્રગ્સ વિભાગનો દરોડો

સુરત: પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ વેચતી ફાર્મસી પર પોલીસ-ડ્રગ્સ વિભાગનો દરોડો

સુરતમાં નશાખોરી માટે 'ટ્રોસ્પાસ પ્લસ' કેપ્સ્યુલના દુરુપયોગનો કિસ્સો સામે આવ્યો છે. ઈચ્છાપોર પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને મોરા ગામની 'ગણેશ ફાર્મસી' પર દરોડો પાડ્યો હતો. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી ₹4,500ની 560 કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ગેરરીતિ જણાશે તો લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવાશે.

'ટ્રોસ્પાસ પ્લસ' કેપ્સ્યુલમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ, ડાયસાયક્લોમાઇન હાઇડ્રોક્લોરાઇડ અને એસિટામિનોફેન જેવા ઘટકો હોય છે. ટ્રામાડોલ એક અસરકારક પીડાશામક દવા છે, જેનો ઉપયોગ તબીબી દેખરેખ હેઠળ કરવામાં આવે છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના આ પ્રકારની દવાઓનું વેચાણ કરવું કાયદાકીય ગુનો છે. તેમ છતાં, યુવાનોમાં નશાની લત સંતોષવા માટે સુરતના કેટલાક મેડિકલ સ્ટોર્સ દ્વારા નફાખોરી ખાતર નિયમોને નેવે મૂકીને તેનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે, મોરા ગામના મોટા વાડા વિસ્તારમાં ભટલાઈ રોડ પર આવેલી 'ગણેશ ફાર્મસી'માં ડૉક્ટરની ચિઠ્ઠી વિના નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓ અપાઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સાથે રાખીને મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ પર સઘન ઇન્સ્પેક્શન કરતાં નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને રાખવામાં આવેલી ₹4,500ની કિંમતની કુલ 560 નંગ ટ્રોસ્પાસ પ્લસ કેપ્સ્યુલ્સ મળી આવી હતી, જેને સ્થળ પરથી જપ્ત કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન ઝડપાયેલા દવાના જથ્થાને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દવાઓ ક્યાંથી ખરીદવામાં આવી હતી અને કયા ગ્રાહકોને ગેરકાયદે વેચવામાં આવતી હતી, આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા નિયમભંગની તપાસ પૂર્ણ થયા બાદ ગેરરીતિ જણાશે તો મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તેમજ સંચાલક વિરુદ્ધ કડક કાનૂની પગલાં ભરવામાં આવશે. તેમજ સ્ટોરનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.