સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: પાટીદાર સમાજનો 'સમાધાન પંચ' — છૂટાછેડા અને મિલકત વિવાદો હવે સમાજમાં જ ઉકેલાશે

સુરત: પાટીદાર સમાજનો 'સમાધાન પંચ' — છૂટાછેડા અને મિલકત વિવાદો હવે સમાજમાં જ ઉકેલાશે

સુરતમાં વસતા લાખો પાટીદાર પરિવારોમાં બદલાતી જીવનશૈલીના કારણે છૂટાછેડાના કેસો અને કરોડો રૂપિયાના વેપાર-ધંધા વચ્ચે ભાઈઓ વચ્ચે ઊભા થતા મિલકતના વિવાદો કોર્ટ સુધી પહોંચે છે. આવા વિવાદોને કોર્ટના પગથિયાં ચડતાં અટકાવવા માટે સમસ્ત પાટીદાર સમાજે 'સમાધાન પંચ'ની રચના કરી છે.

પંચમાં 11 સભ્યો રહેશે. જેમાં સામાજિક અગ્રણી મથુર સવાણી અને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેટા સહિત 11 મોભીઓની વિશેષ કમિટી બનાવવામાં આવી છે. પંચના અધ્યક્ષ તરીકે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખૂંટની નિમણૂક કરવામાં આવી છે.

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેટાએ જણાવ્યું કે, હાલ સમાજમાં છૂટાછેડા તેમજ ભાઈ-ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણી સંબંધિત વિવાદો જેવા અનેક પારિવારિક અને સામાજિક પ્રશ્નો ઊભા થાય છે. લોકો આવા પ્રશ્નોના નિરાકરણ માટે સામાન્ય રીતે સમાજના આગેવાનો કે સગા-સંબંધીઓ પાસે જાય છે. આ બાબતને ધ્યાને રાખીને તેમણે તથા મથુરભાઈએ સમસ્ત પાટીદાર સમાજ માટે એક સત્તાવાર 'પંચ' બનાવવાનો વિચાર કર્યો, જેથી સામાજિક સ્તરે જ યોગ્ય નિરાકરણ લાવી શકાય.

પંચ સમક્ષ જ્યારે પણ કોઈ પક્ષકાર રજૂઆત કરશે, ત્યારે આ કમિટી બંને પક્ષોને રૂબરૂ બોલાવી, સામસામે બેસાડીને પરસ્પર સંમતિથી સુમેળભર્યો ઉકેલ લાવશે. નજીવા મનદુઃખ કે વ્યાવસાયિક ખેંચતાણમાં પરિવારો કોર્ટ-કચેરીના ચક્કરમાં પાયમાલ ન થાય અને તેમને ઘરઆંગણે જ સામાજિક સધિયારો મળે તે આ પંચનો મુખ્ય આશય છે.

પ્રેમલગ્નના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં વેલજી શેટાએ જણાવ્યું કે વર્તમાન સમય બદલાયો છે એટલે પ્રેમલગ્નને સંપૂર્ણપણે રોકવું શક્ય નથી. તેમ છતાં, સમાજમાં એવી જાગૃતિ લાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવશે કે જેથી યુવક-યુવતીઓ પોતાના સમાજમાં જ લગ્ન કરે અને પરિવાર તથા સમાજ વચ્ચે કોઈ કડવાશ કે મુશ્કેલી ઊભી ન થાય.

પંચની કામગીરી અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, વિવાદિત બંને પક્ષોને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવશે. ખાસ કરીને છૂટાછેડાના કિસ્સામાં પ્રથમ પ્રાથમિકતા સંસાર તૂટતો બચે અને સમાધાન થાય તે માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવશે. જો કોઈ રીતે સાથે રહેવું શક્ય ન હોય તો જ આગળ છૂટાછેડાનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં આ પંચ સુરતને કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે અને જો તેમાં સફળતા મળશે તો આગામી સમયમાં દરેક જિલ્લા વાઈઝ પણ આવી ટીમો ગોઠવવામાં આવશે.

સુરતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પાટીદારો સુરતમાં વસ્યા છે. વતન છોડીને આવેલા તમામ પાટીદારોએ સુરતને કર્મભૂમિ બનાવી લીધી છે. સુરતના વરાછા, કતારગામ, અડાજણ, ઉધના સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પાટીદારો રહે છે. સુરતના વિવિધ વિસ્તારોમાં 15 થી 20 લાખ જેટલા પાટીદારો વસી રહ્યા છે. મોટાભાગે પાટીદાર પરિવારો હીરા અને એમ્બ્રોડરીના કામ સાથે સંકળાયેલા છે.