સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખની ચિંતા: વિદેશ અભ્યાસ અને કારકિર્દીના કારણે દીકરીઓના લગ્નમાં વિલંબ

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખની ચિંતા: વિદેશ અભ્યાસ અને કારકિર્દીના કારણે દીકરીઓના લગ્નમાં વિલંબ

સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ દીકરીઓના લગ્નમાં થતા વિલંબ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વિદેશમાં અભ્યાસ કરવાની ઘેલછા અને સેટ થવાના ચક્કરમાં દીકરીઓની ઉંમર વધી જાય છે, જેના કારણે યોગ્ય જીવનસાથી શોધવામાં મુશ્કેલી પડે છે.

ભાલાળાએ જણાવ્યું કે, કારકિર્દી બનાવવી, સારી નોકરી મેળવવી કે આર્થિક રીતે પગભર થવું એ સારી બાબત છે, પરંતુ 'પગભર થયા પછી જ લગ્ન કરીશું' એવી વિચારસરણીને કારણે લગ્નમાં ઘણો વિલંબ થાય છે. યુવાનો અને યુવતીઓ બંને પોતાની કારકિર્દી સ્થિર કરવામાં વર્ષો પસાર કરી દે છે, જેથી લગ્નની યોગ્ય ઉંમર વીતી જાય છે અને પછી યોગ્ય સંબંધ શોધવામાં સામાજિક મુશ્કેલીઓ ઊભી થાય છે.

તેમણે વધુમાં કહ્યું કે દીકરીઓમાં વિદેશ ભણવા જવાનો ક્રેઝ પણ આ સમસ્યા વધારે છે. જોકે પાંચ વર્ષ પહેલાંની સરખામણીમાં આ ક્રેઝ થોડો ઓછો થયો છે, તેમ છતાં હજુ પણ દીકરીઓ મોટી સંખ્યામાં વિદેશ અભ્યાસ માટે જાય છે. ત્યાં અભ્યાસ પૂરો કરવા અને સેટ થવામાં બે વર્ષ વધુ જાય છે, એમ પાંચથી સાત વર્ષનો સમય વીતી જાય છે અને દીકરીઓની ઉંમર ઘણી વધી જાય છે.

ઉંમર અને શિક્ષણ બંને વધી જવાથી દીકરીઓની પસંદગી અને તેમની ઊંચી લાયકાત મુજબના યોગ્ય યુવકો મળવા મુશ્કેલ બને છે. કાનજીભાઈના જણાવ્યા મુજબ, ઉંમર વધુ થઈ જાય ત્યારે મનપસંદ પાત્ર શોધવામાં બાંધછોડ કરવી પડે છે અથવા તો યોગ્ય જીવનસાથી મળતો જ નથી. પરિણામે સુખી જીવન માટે કરેલા ઉચ્ચ અભ્યાસ કે વિદેશગમનનો હેતુ સમયસર લગ્ન ન થવાને કારણે બાંધછોડવાળી જિંદગીમાં ફેરવાઈ જાય છે.

આ સમસ્યાના નિરાકરણ માટે સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે 'કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર' શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દેશ-વિદેશમાં વસતા સમાજના યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી પસંદ કરવા માટે મોટું ઓનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ઉમેદવારો પોતાની લાયકાત અને જરૂરિયાત મુજબ ફોર્મ ભરે એટલે યોગ્ય પાત્રની માહિતી તેમના સુધી પહોંચાડવામાં આવે છે, જેથી વિશાળ ડેટામાંથી શ્રેષ્ઠ પસંદગીની તક મળે છે.

જોકે, કેન્દ્રના શુભારંભના પ્રથમ અઠવાડિયામાં જ ચિંતાજનક અસમતુલા સામે આવી છે. એક અઠવાડિયામાં આવેલા કુલ 700 ફોર્મમાંથી 500 યુવકોના છે, જ્યારે દીકરીઓના માત્ર 200 ફોર્મ નોંધાયા છે. ભાલાળાએ જણાવ્યું કે વાલીઓ દીકરાના સંબંધ માટે ઉત્સાહથી ફોર્મ ભરે છે, પરંતુ દીકરીની વિગતો આપતાં અચકાય છે. દીકરીઓના જે ફોર્મ આવ્યા છે તે પણ વધુ ઉંમર કે વધુ અભ્યાસ ધરાવતી કન્યાઓના છે, તેથી સમાજે આ માનસિકતા બદલીને તમામ દીકરીઓના ફોર્મ ભરાવવા જોઈએ જેથી વધુ વિકલ્પો ઉપલબ્ધ થાય.

આ કેન્દ્રમાં માત્ર ઓનલાઇન ડેટા જ ભેગો કરાતો નથી, પરંતુ 12થી વધુ નિવૃત્ત અધિકારીઓની અનુભવી ટીમ દ્વારા વાલીઓ અને યુવાનોનું સઘન કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. કાનજીભાઈએ ઉમેર્યું કે સમયસર યોગ્ય જીવનસાથી ન મળવાને કારણે સમાજમાં દીકરા-દીકરીઓ ભાગીને લગ્ન કરે તેવી સમસ્યાઓ અને અન્ય દૂષણો પણ વધ્યા છે. જો પરિવાર અને સમાજ યોગ્ય ઉંમરે સગાઈ અને લગ્ન થાય તેવું સંસ્કારયુક્ત વાતાવરણ પૂરું પાડે અને યોગ્ય માર્ગદર્શન આપે, તો આવાં તમામ સામાજિક દૂષણોને અટકાવી શકાય છે.