સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં પારસી પરિવાર સાત પેઢીથી સાચવે છે સ્વામિનારાયણની 201 વર્ષ જૂની પાઘડી

સુરતમાં પારસી પરિવાર સાત પેઢીથી સાચવે છે સ્વામિનારાયણની 201 વર્ષ જૂની પાઘડી

સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતો એક પારસી પરિવાર છેલ્લી સાત પેઢીથી ભગવાન સ્વામિનારાયણની 201 વર્ષ જૂની પાઘડી અને શ્રીફળનું જતન કરી રહ્યો છે. આ પવિત્ર વસ્તુઓ દર વર્ષે ભાઈબીજના દિવસે જ જાહેર જનતાના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે.

ઇતિહાસ મુજબ, સંવત 1881માં ભગવાન સ્વામિનારાયણ સુરત પધાર્યા ત્યારે તેમનો સુરતના નગરશ્રેષ્ઠી અને ઉચ્ચ હોદ્દા પર રહેલા પારસી અરદેશર કોટવાલ સાથે દિવ્ય સંબંધ બંધાયો હતો. ભગવાને સુરત છોડતી વખતે અરદેશર કોટવાલને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટ આપ્યા હતા.

કાળક્રમે આ અમૂલ્ય સ્મૃતિ અરદેશર કોટવાલના પુત્ર જહાંગીરશાહ અને તેમનાં પત્ની ડોશીબાઈ મારફતે મોસાળ સોરાબજી એડલજી વાડિયા પરિવાર પાસે પહોંચી, જ્યાં આજે પણ તેની પરંપરા અવિરત ચાલે છે.

પાઘડીના રક્ષણ માટે વાડિયા પરિવારે ઘરમાં અલાયદો પૂજા રૂમ બનાવ્યો છે. 201 વર્ષ જૂની પાઘડીને ખાસ લાકડાની પેટીમાં રાખવામાં આવે છે અને તેમાં જીવાત ન થાય તે માટે કપૂરની ગોળીઓ, લવિંગ અને નેપ્થલીન બોલ્સ મૂકવામાં આવે છે. આ પરંપરાગત ઉપાયોથી કાપડની પવિત્રતા આજે પણ અકબંધ છે.

પરિવારની સાતમી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા શેઝાદ વાડિયાએ જણાવ્યું કે, આ પાઘડી અને શ્રીફળ બંને 201 વર્ષ જૂના છે. વાડિયા પરિવાર મૂળ પારસી સમુદાયનો હોવા છતાં બે સદીથી વધુ સમયથી સ્વામિનારાયણ ધર્મને પોતાના હૃદયમાં સ્થાન આપે છે. પરિવારના સભ્યો પારસી પરંપરા મુજબ પવિત્ર જનોઈ (કુસ્તી) ધારણ કરે છે અને ગળામાં શ્રીજી મહારાજની કંઠી પણ પહેરે છે.