સુરતના પાંડેસરા વિસ્તારમાં બોગસ ડૉક્ટરો સામે SOG અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી છે. બંને વિભાગની ટીમોએ અલગ-અલગ સ્થળોએ એકસાથે દરોડા પાડીને 16 બોગસ ડૉક્ટરોને ઝડપી પાડ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓ અગાઉ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ ડૉક્ટર તરીકે સારવાર આપતા હતા. દરોડા દરમિયાન તેમની પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ સહિતનો જથ્થો મળી આવ્યો હતો.
આ મામલે તમામ 16 આરોપીઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બોગસ ડૉક્ટરોની પ્રવૃત્તિ સામે થયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી છે.
આ સિવાય આજે 14 ઓક્ટોબર, બુધવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં અન્ય મહત્વની ઘટનાઓ પણ બની છે. ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું છે. અમદાવાદમાં ઓક્ટોબર મહિનાની ગરમીએ છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યના 13 શહેરોમાં સરેરાશ તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચ્યું છે, જ્યારે ડીસા 39.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું છે.
દિલ્હીમાં જંતર-મંતર ખાતે CJP દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના મામલે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે CJPના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રંકા અને અજિંક્ય શિંદેની વહેલી પરોઢે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ત્રણેય નેતાઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.