સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના પલસાણામાં રસીકરણ બાદ 5 બાળકોને ભૂલથી ડાયાબિટીસની ગોળી, ICUમાં દાખલ

સુરતના પલસાણામાં રસીકરણ બાદ 5 બાળકોને ભૂલથી ડાયાબિટીસની ગોળી, ICUમાં દાખલ

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. 24 સપ્ટેમ્બરે યોજાયેલા મમતા દિવસ રસીકરણ કાર્યક્રમ દરમિયાન પાંચ બાળકોને પેરાસિટામોલની જગ્યાએ ભૂલથી ડાયાબિટીસની દવા 'ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી.' આપી દેવામાં આવી હતી. આ દવાની ગંભીર આડઅસર થતાં તમામ પાંચ બાળકોને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોના આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા સબ સેન્ટર પલસાણા-1 ખાતે રસીકરણ સેશન યોજાયું હતું, જ્યાં કુલ સાત બાળકોને રસી આપવામાં આવી હતી. સામાન્ય રીતે રસીકરણ બાદ તાવ કે દુખાવો ન થાય તે માટે બાળકોને પેરાસિટામોલ આપવામાં આવે છે, પરંતુ અહીં ફરજ પરના કર્મચારીએ પેરાસિટામોલના બદલે ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવતી ગ્લાઇમિપિરાઇડ-2 એમ.જી. દવા આપી દીધી હતી.

આ દવા પેટમાં જતાં જ બાળકોની તબિયત લથડવા લાગી હતી. સ્થિતિ બગડતાં વાલીઓએ બાળકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર અને વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી સારવારની સમીક્ષા કરી હતી. હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું અને તબીબોની સતત દેખરેખ હેઠળ હોવાનું તંત્રએ જણાવ્યું છે.

ઘટના સામે આવતાં જ તંત્ર દોડતું થયું હતું. પ્રાથમિક તપાસ બાદ ગંભીર બેદરકારી દાખવનાર મહિલા હેલ્થ વર્કરને ત્વરિત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવતા કહ્યું કે, 'બાળકોના આરોગ્ય અને જીવન સાથે આવી કોઈ પણ પ્રકારની ગુનાહિત બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવાશે.'