સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: ઓનલાઈન ગ્રોસરી સ્ટોર્સ સામે ફૂડ સેફ્ટીની કાર્યવાહી, D-Mart અને Blinkit સહિતને દંડ

સુરત: ઓનલાઈન ગ્રોસરી સ્ટોર્સ સામે ફૂડ સેફ્ટીની કાર્યવાહી, D-Mart અને Blinkit સહિતને દંડ

સુરતમાં ઓનલાઈન ગ્રોસરી અને ફૂડ ડિલિવરી કંપનીઓના ગોડાઉન અને સ્ટોર્સમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊઠ્યા છે. ગ્રાહકોએ બનાવેલા વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે.

છેલ્લા એક મહિનામાં આરોગ્ય વિભાગે શહેરના પાંચ મોટા સ્ટોર અને ઓનલાઈન ગોડાઉન પર તપાસ કરી છે. તપાસમાં ખાદ્ય વસ્તુઓની ગુણવત્તામાં ઘટ પકડાઈ છે. જેના પગલે બેદરકારી બદલ સ્ટોર્સ સામે દંડ અને નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે.

લીંબાયતમાં ડી-માર્ટને રૂ. 75,000, અડાજણના ડી-માર્ટને રૂ. 10,000 અને ગોડાદરાના ડી-માર્ટને રૂ. 75,000 તથા રૂ. 5,000નો દંડ ફટકારાયો છે. પાંડેસરાના ડી-માર્ટને રૂ. 10,000 અને સિંગણપોરના ડી-માર્ટને રૂ. 25,000નો દંડ કરાયો છે.

બ્લિંકિટના ગોડાઉન સામે પણ કાર્યવાહી થઈ છે. વેસુના બ્લિંકિટ ગોડાઉનને રૂ. 10,000 અને રૂ. 13,000, ઉધનાના બ્લિંકિટને રૂ. 5,000, અંબાજી મંદિર વિસ્તારના ગોડાઉનને રૂ. 2,000, પાલ ગૌરવપથના ગોડાઉનને રૂ. 6,000, ડિંડોલીના ગોડાઉનને રૂ. 28,000 અને ખરવાસાના ગોડાઉનને રૂ. 45,000નો દંડ ફટકારાયો છે.

ઝેપ્ટોની રાંદેર-તાડવાડી બ્રાન્ચને રૂ. 25,000નો દંડ કરાયો છે. રિલાયન્સની ઉધના બ્રાન્ચને રૂ. 10,000, પાલ બ્રાન્ચને રૂ. 20,000 અને માપોદરા-વરાછા બ્રાન્ચને રૂ. 15,000નો દંડ ફટકારાયો છે. ઇન્સ્ટામાર્ટની વેસુની ગોલ્ડમાઇન શોપર્સને રૂ. 20,000 અને અન્ય બ્રાન્ચને રૂ. 5,000નો દંડ કરાયો છે.

આ કાર્યવાહી ત્યારે થઈ છે જ્યારે એક ગ્રાહકને બ્લિંકિટ પરથી મંગાવેલી બ્રેડમાં મોટા પ્રમાણમાં ફૂગ જોવા મળી હતી. ડિલિવરીના થોડી જ મિનિટોમાં પેકેટ ખોલતાં બ્રેડ સડેલી નીકળી હતી. પેકેટ પરની એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં બ્રેડની ગુણવત્તા સામે સવાલ ઊઠ્યા હતા.

ગ્રાહકે સ્ટોર પર જઈને ફરિયાદ કરી હતી, પરંતુ સ્ટોર મેનેજર અને સ્ટાફે જવાબદારી લેવાને બદલે એપ પર ફરિયાદ કરવા જણાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ સક્રિય થયું અને તપાસ હાથ ધરી હતી.

આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી ઓનલાઈન ગ્રોસરી કંપનીઓની ગુણવત્તા ચકાસણી અને ફૂડ સેફ્ટી વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રાહકોની ફરિયાદો અને સોશિયલ મીડિયા પરના વીડિયોને પગલે તંત્રની કાર્યવાહી ઝડપી બની છે.