સુરત: રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ફરી એકવાર સામાન્ય લોકોના બજેટ પર દબાણ લાવ્યું છે. છેલ્લા 15 દિવસથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.
સુરત એપીએમસી (APMC) માર્કેટના આંકડા મુજબ, એક મહિના પહેલાં સારી ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ પ્રતિ મણ (20 કિલો) ₹500થી ₹700 હતો, જે હવે વધીને ₹800થી ₹1100 થઈ ગયો છે. એટલે કે એક જ મહિનામાં મણે ₹400 સુધીનો વધારો નોંધાયો છે. હોલસેલ ભાવ વધતાં છૂટક બજારમાં પણ ગ્રાહકોએ ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે.
ગુજરાતમાં ડુંગળીનો મોટો જથ્થો મહારાષ્ટ્રના નાસિક અને આસપાસના વિસ્તારોમાંથી આવે છે. ત્યાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયું છે, જેની સીધી અસર સુરત એપીએમસી માર્કેટ પર દેખાઈ રહી છે. સામાન્ય દિવસોમાં મહારાષ્ટ્રથી રોજ 30 જેટલી ગાડીઓ ડુંગળી આવતી હતી, જે હાલ ઘટીને 18થી 20 ટ્રક થઈ ગઈ છે. માંગ સામે આવક અડધી થઈ જતાં વેપારીઓ પણ ચિંતામાં છે.
સુરતના સરદાર માર્કેટના જથ્થાબંધ વેપારી બાબુભાઈ શેખે જણાવ્યું કે, ભાવ વધવાનું મુખ્ય કારણ હવામાનની અનિયમિતતા છે. મહારાષ્ટ્રના સટાણા, નાસિક, કળવણ, પિંપલગાંવ, નિઝામપુર અને પુણેના કેટલાક ભાગોમાં જ્યારે પાક ખેતરમાંથી કાઢવાનો સમય હતો ત્યારે ભારે વરસાદ પડ્યો. ખેડૂતો ડુંગળી કાઢીને ચોલમાં સૂકવીને બજારમાં લાવતા હોય છે, પણ વરસાદથી પાક બગડતાં આવક ઘટી છે.
વેપારીઓના મતે, નવો પાક પૂરતા પ્રમાણમાં બજારમાં આવવામાં અને ભાવ સ્થિર થવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગી શકે છે. ત્યાં સુધી ગ્રાહકોએ મોંઘી ડુંગળી ખરીદવી પડશે. બાબુભાઈએ આશા વ્યક્ત કરી કે નવી ડુંગળી બજારમાં આવતાં ભાવ નિયંત્રણમાં આવશે અને તહેવારોના દિવસોમાં ગૃહિણીઓનું બજેટ સચવાશે.