સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળી 700થી 1100 રૂપિયા સુધી, ગ્રાહકો અને ખેડૂતો બંને મુશ્કેલીમાં

સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળી 700થી 1100 રૂપિયા સુધી, ગ્રાહકો અને ખેડૂતો બંને મુશ્કેલીમાં

છેલ્લા 15 દિવસથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત APMC હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 700 રૂપિયાથી વધીને 1100 રૂપિયા સુધી પહોંચી ગયો છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ ડુંગળીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જે ડુંગળી 25થી 30 રૂપિયા પ્રતિ કિલોએ મળતી હતી તે હવે 60થી 70 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે.

ડુંગળીના ભાવ વધવાનું મુખ્ય કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. વાતાવરણમાં અનિયમિત ફેરફાર અને પ્રતિકૂળ હવામાનને કારણે ડુંગળીનો પાક બગડ્યો છે. મહારાષ્ટ્રમાં ડુંગળીની લણણી વખતે વરસાદ થતાં પાકને વ્યાપક નુકસાન થયું છે. સુરત APMCમાં ડુંગળીની આવક ઘટીને માત્ર 20 જેટલી ગાડીઓની જ થઈ છે. વેપારીઓનું અનુમાન છે કે હજુ એક મહિના સુધી ભાવ યથાવત્ રહી શકે છે.

બજારમાં ગ્રાહકોને ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે, પરંતુ તેનો લાભ ખેડૂતોને મળી રહ્યો નથી. યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો પણ આર્થિક સંકટમાં મુકાયા છે. વચેટિયા અને સંગ્રહખોરોની નફાખોરીને કારણે ગ્રાહકો અને ખેડૂતો બંનેને ફટકો પડી રહ્યો છે.

આ સાથે જ પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે, જેની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડી રહી છે. રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો થયો છે. પહેલેથી તેલ, ખાંડ, દાળ, શાકભાજી, આદુ, લીંબુ અને દૂધના ભાવ વધ્યા છે, ત્યારે ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચતાં મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે.

લોકોની માંગ છે કે સરકાર આ મામલે જમાખોરી કરનારા લોકો સામે પગલાં લે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને ગ્રાહકોને રાહત થાય તે માટે વ્યવસ્થિત પગલાં લેવાની જરૂર છે.