સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવા અને મોટરસાઇકલ ચલાવવા બાબતે થયેલી તકરારના કારણે 28 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના 10 નવેમ્બરની સાંજે બની હતી, જ્યારે આરોપીઓએ સમાધાનના બહાને યુવકને બોલાવીને હુમલો કર્યો હતો. પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 8 નવેમ્બરની રાત્રે સોસાયટીમાં ફટાકડા ફોડતી વખતે મોટરસાઇકલ કટ મારીને નીકળવા બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે મૃતકના ભાઈ અને અન્ય લોકોએ વચ્ચે પડીને ઝઘડો શાંત કરાવ્યો હતો. પરંતુ આ બાબતની અદાવત રાખીને આરોપીઓએ બીજા દિવસે યુવકને ફોન કરીને સમાધાન અને માફી માગવાના બહાને બોલાવ્યો હતો.
10 નવેમ્બરની સાંજે આરોપીઓ યુવકને શનિદેવ મંદિર પાછળ લઈ ગયા હતા. ત્યાં યુવકે માફી પણ માગી લીધી હતી, પરંતુ બાદમાં મામલો વધુ ઉશ્કેરાયો હતો. આરોપીઓએ એકસંપ થઈને યુવક પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન એક આરોપીએ પોતાની પાસે રહેલી છરી કાઢીને યુવકના પીઠના ભાગે ઉપરાછાપરી 3-4 ઘા મારી દીધા હતા.
ગંભીર રીતે ઘવાયેલો યુવક લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા ભાગ્યો, પરંતુ થોડે દૂર જઈને ઢળી પડ્યો હતો. પરિવારજનો યુવકને તાત્કાલિક ખાનગી વાહનમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ મામલે મૃતકના સંબંધીની ફરિયાદના આધારે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશને કુલ 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ ફરાર આરોપીની શોધખોળ માટે તપાસ તેજ કરાઈ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે.