સુરતમાં નવરાત્રિ પૂર્ણ થતાં જ મા જગદંબાની વિદાય વેળાએ અનોખી ભાવુકતા જોવા મળી હતી. ખાસ કરીને શહેરના ઉધના વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં હૃદયસ્પર્શી માહોલ સર્જાયો હતો. નવ દિવસ સુધી માતાજીની ભક્તિ અને આરાધના કર્યા બાદ ભક્તોએ ભાવવિભોર થઈને માતાજીને વિદાય આપી હતી.
કાશીનગર સોસાયટી ખાતે શ્રી માધવ ગૌશાળા અને ટ્રિપલ કે ગ્રુપ દ્વારા છેલ્લા 33 વર્ષથી મા અંબેની પ્રતિમાની સ્થાપના કરીને આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રિના પ્રથમ દિવસથી જ ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. પ્રારંભમાં યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. આ વર્ષે મોર પર સવાર માતાજીની દિવ્ય સ્મિતવાળી પ્રતિમા ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રતિમાના દર્શન માત્રથી જ ભક્તોને સાક્ષાત જગદંબા પૃથ્વી પર પધાર્યા હોય તેવી દિવ્ય અનુભૂતિ થતી હતી.
નવ દિવસ સુધી સોસાયટીના લોકોએ એક પરિવાર બનીને પૂજા-અર્ચના, આરતી અને ગરબાની રમઝટ બોલાવી હતી. જોકે, વિસર્જનના દિવસે વાતાવરણ ભારે ગમગીન બની ગયું હતું. મા અંબેને વિદાય આપતાં પહેલાં સોસાયટીના તમામ સભ્યો પંડાલમાં એકઠા થયા હતા. નવ દિવસ દરમિયાન અજાણતા પણ કોઈ ક્ષતિ કે અપરાધ રહી ગયો હોય તો તે માટે તમામ ભક્તોએ હાથ જોડી, બંને કાન પકડીને ઊઠબેસ કરી માતાજી સમક્ષ ક્ષમા માંગી હતી. વર્ષો જૂની આ ભાવસભર પરંપરા જોઈને ઉપસ્થિત સહુ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
આ નવરાત્રિ મહોત્સવ માત્ર ગરબા પૂરતો મર્યાદિત ન રહેતાં સામાજિક એકતા અને સમરસતાનું મોટું ઉદાહરણ પૂરું પાડતો રહ્યો છે. શ્રી માધવ ગૌશાળા અને ટ્રિપલ કે ગ્રુપ દ્વારા નવ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે આયોજકો અને સ્થાનિક યુવા સ્વયંસેવકોએ ખડેપગે સેવા બજાવી હતી. માતાજીની વિસર્જન યાત્રા દરમિયાન "અંબે માત કી જય"ના નારા સાથે ભક્તોએ ભારે હૈયે માતાજીને વિદાય આપી હતી.