સુરતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. ખાસ કરીને ડુમસ વિસ્તારમાં પોલીસે ટેકનોલોજી અને વધારાના મેનપાવરનો ઉપયોગ કરીને સુરક્ષા વધારી છે.
ડુમસ રીજનમાં ત્રણ મોટા કમર્શિયલ ગરબા આયોજનો યોજાઈ રહ્યા છે. આ આયોજનો માટે 10થી વધુ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. દરેક ડોમમાં શી ટીમ (She Team) પણ મહિલાઓની સુરક્ષા માટે સક્રિય છે.
પોલીસ કંટ્રોલ રૂમ (PCR) વાહનો દ્વારા સતત ક્રોસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આ વખતે એક નવો ઇનોવેટિવ કોન્સેપ્ટ 'મોબાઈલ હેલ્પ ડેસ્ક' શરૂ કરવામાં આવ્યો છે. આ ડેસ્કની મહિલા સ્ટાફ પોલીસ બાઈક પર પેટ્રોલિંગ કરે છે અને ડુમસ રીજનમાં કોઈપણ મહિલા કે બાળકને મદદની જરૂર પડે તો તરત સહાય પહોંચાડે છે.
ડોમની અંદર અને બહાર અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. અંદરની ટીમો મુખ્યત્વે મહિલા સુરક્ષા પર ધ્યાન આપે છે, જ્યારે બહારની ટીમો ટ્રાફિક નિયમન, લો એન્ડ ઓર્ડર જાળવવા અને રસ્તાઓ ક્લિયર કરવાનું કામ કરે છે.
સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ત્રણેય ડોમમાં AI કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા દ્વારા લાઈવ ફૂટેજ સીધા કંટ્રોલ રૂમ સુધી પહોંચે છે અને લોકોની સંખ્યા (ફૂટ કાઉન્ટ)ની માહિતી પણ મેળવવામાં આવે છે.