સુરતમાં નવરાત્રિ મહોત્સવ માટે આયોજકોએ સુરક્ષા અને જોખમ વ્યવસ્થાપન માટે મોટા પાયે વીમો લીધો છે. શહેરના છ મોટા આયોજકોએ ભેગા મળીને 250 કરોડ રૂપિયાથી વધુનો ઇન્સ્યોરન્સ કરાવ્યો છે. એક આયોજકે એકલા હાથે 100 કરોડથી વધુનો વીમો લીધો છે.
આયોજનના કદ મુજબ 10 કરોડ, 25 કરોડ, 50 કરોડથી લઈને 100 કરોડ સુધીની વિવિધ વીમા પોલિસીઓ લેવામાં આવી છે. જેથી ઇવેન્ટ દરમિયાન આગ, અકસ્માત કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બને અથવા મિલકતને મોટું નુકસાન પહોંચે તો આર્થિક રક્ષણ મળી રહે.
આ વીમામાં આયોજન સ્થળે હાજર તમામ ખેલૈયાઓ અને મુલાકાતીઓને આવરી લેવામાં આવ્યા છે. જોકે આ વર્ષની પોલિસીઓમાં એક મહત્ત્વનો બદલાવ જોવા મળ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી અને અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓએ વરસાદના જોખમને પોલિસીમાંથી સંપૂર્ણપણે બાકાત રાખ્યું છે. આમ, કુદરતી વરસાદી વિક્ષેપ સિવાયની તમામ માનવીય અને ભૌતિક દુર્ઘટનાઓ સામે ખેલૈયાઓ તથા આયોજકોને સુરક્ષા કવચ મળ્યું છે.
ટોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જિગ્નેશ માધવાનીએ જણાવ્યું કે, આ વર્ષે નવરાત્રિ માટે આયોજકોમાં ઇન્સ્યોરન્સને લઈને ગત વર્ષ કરતાં ઘણી મોટી ગંભીરતા જોવા મળી રહી છે. તેઓ માત્ર ફાયર ઇન્સ્યોરન્સ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ ખેલૈયાઓની સુરક્ષા તથા પોતાની લાયબિલિટી માટે પણ મોટા પાયે વીમો લઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, આયોજકોએ સંભવિત જોખમોને આવરી લેવા વિવિધ પ્રકારના ઇન્સ્યોરન્સ લીધા છે. અત્યાર સુધીમાં છ મોટા આયોજકોએ ઇન્સ્યોરન્સ કરાવ્યો છે. જેમાં ગ્લોબલ ગરબા વિલેજ, સુવર્ણ, વાયપીડી જેવા મોટા પાયે થતા આયોજનો તેમજ અડાજણ અને લિંબાયત વિસ્તારમાં યોજાતા ગરબાના આયોજકોનો સમાવેશ થાય છે.
સૌથી મોટા આયોજનોમાં વી.આર. મોલની સામે યોજાનાર ‘સુવર્ણ’, એક્સીલેન્સિયા સામે આવેલું ‘ગ્લોબલ વિલેજ’ તેમજ ‘વાયપીડી’ ખાતે યોજાનારો ગરબા મહોત્સવ સામેલ છે. આ આયોજકોએ આશરે 50થી 100 કરોડ સુધીના વ્યક્તિગત વીમા માટે અરજી કરી છે. સમગ્ર આયોજકોના કુલ વીમાની રકમ આશરે 225થી 250 કરોડ જેટલી થાય છે.
સુરતમાં આયોજિત નવરાત્રિ મહોત્સવ માટે આયોજકોએ 12 પ્રકારના સંભવિત જોખમો સામે વીમા કવરેજ મેળવ્યું છે. જેમાં આગ, ભૂકંપ જેવી કુદરતી આપદાઓ, ગરબા ગ્રાઉન્ડ પર ભાગદોડ, જાનહાનિ તેમજ રાજકીય અસ્થિરતા કે રાષ્ટ્રીય શોક જેવા કારણોસર કાર્યક્રમ રદ થતાં પ્રતિદિન 20 લાખ રૂપિયા સુધીના નુકસાનની ભરપાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ખાદ્યપદાર્થોમાં ગડબડ કે અન્ય બેદરકારીના વિવાદોને પગલે થતા કાનૂની કેસ, વકીલની ફી અને વળતરથી બચવા આયોજકોએ થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ પણ લીધો છે.
વરસાદની આગાહીના સમયે ટૂંકા સમયગાળા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ પોલિસી આપતી નથી. છતાં સુરતના આયોજકોએ ખેલૈયાઓની સુવિધા માટે વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ ડોમ તથા ટેન્ટની વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરી છે. આયોજકોનું કહેવું છે કે છેલ્લાં બે-ત્રણ વર્ષથી નવરાત્રિ દરમિયાન વરસાદ પડતો હોવા છતાં આયોજનો સફળ રહ્યા છે. તેથી વરસાદની આગાહીથી કોઈ મોટો ફરક નહીં પડે અને ખેલૈયાઓ ઘરેથી ગ્રાઉન્ડ સુધી પહોંચીને હંમેશ મુજબ ધામધૂમથી નવરાત્રિ રમી શકશે.