સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના નાસીરનગરમાં ડિમોલિશનથી ઘરવિહોણા પરિવારોને વૈકલ્પિક આવાસ નહીં મળે: સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય

સુરતના નાસીરનગરમાં ડિમોલિશનથી ઘરવિહોણા પરિવારોને વૈકલ્પિક આવાસ નહીં મળે: સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય

સુરતના નાસીરનગર ખાતે થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન બાદ ઘરવિહોણા બનેલા પરિવારોના પુનર્વસન મામલે સુરત મહાનગરપાલિકાએ સંવેદનહીન વલણ અપનાવ્યું છે. પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે સાર્વજનિક જગ્યાઓ પરથી દબાણ હટાવવાના કિસ્સામાં અસરગ્રસ્તોને બદલામાં અન્ય આવાસ ફાળવવાની કોઈ નીતિ અમલમાં નથી.

આ દરખાસ્તને શાસકોએ સર્વાનુમતીથી મંજૂરી આપી છે. હવે તેને છેલ્લી મંજૂરી માટે સામાન્ય સભા સમક્ષ મૂકવામાં આવશે. આ નિર્ણયથી ખુલ્લા આકાશ નીચે દિવસો વિતાવી રહેલા ગરીબ પરિવારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુરત મહાનગરપાલિકાનો આ નિર્ણય આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થનારી કાયદાકીય સુનાવણી દરમિયાન અત્યંત સંવેદનશીલ અને નિર્ણાયક પાસું સાબિત થશે.

બીજી તરફ, કોંગ્રેસે સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણય સામે તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, કાયદાકીય જોગવાઈઓ અને જમીની સ્થિતિની સમીક્ષા કર્યા વિના જ આ પ્રસ્તાવ ઉતાવળે મંજૂર કરી દેવાયો છે. તેમણે આરોપ લગાવ્યો કે, વહીવટી અધિકારીઓ અને શાસકોની આ મિલીભગત પાછળ પોતાના માનીતા બિલ્ડરો તેમજ ભ્રષ્ટ તત્વોના હિતોનું રક્ષણ કરવાનો છુપો ઈરાદો છે.

કોંગ્રેસ નેતાએ ભૂતકાળના કાયદાકીય સંદર્ભો પણ ટાંક્યા હતા. તેમણે યાદ અપાવ્યું કે, વર્ષ 1975થી 1995 દરમિયાન જૂના રિંગરોડના વિસ્તરણ સમયે અસરગ્રસ્ત ઝૂંપડપટ્ટીના રહીશોને જમીનના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. વધુમાં, વર્ષ 2007ના સ્લમ કમિટીના ઠરાવ ક્રમાંક 1838 મુજબ દબાણકર્તાઓને EWS યોજના હેઠળ મકાન આપવાની સિસ્ટમ અમલમાં હતી. હાલના કમિશનરે રજૂ કરેલી દરખાસ્તમાં પણ આ ઠરાવનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પાલિકા તંત્ર 'પોલિસીના અભાવ'નું બહાનું ધરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સુમન મંત્ર યોજના હેઠળ આવાસ આપવાની તૈયારી દર્શાવ્યા બાદ હવે છેલ્લી ઘડીએ યુ-ટર્ન લઈને તંત્ર પોતાની જ ભૂતકાળની નીતિઓ અને કાનૂની જોગવાઈઓની ખુલ્લેઆમ અવગણના કરી રહ્યું છે.

વૈકલ્પિક રહેઠાણ આપવાનો તંત્રએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હોવા છતાં, પીડિત પરિવારો અને સ્થાનિક આગેવાનોએ ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને કાયદાકીય લડત ચાલુ રાખવાની મક્કમતા દર્શાવી છે. હાલ તો પાલિકાની આગામી સામાન્ય સભામાં આ વિવાદાસ્પદ પ્રસ્તાવ રજૂ થયા બાદ હાઇકોર્ટમાં આ મામલે કેવા પ્રકારના કાનૂની વળાંક આવે છે, તેના પર સમગ્ર શહેરની નજર મંડાયેલી છે.

મહત્વનું છે કે, સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશનના વિરોધમાં 26 પીડિતોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અરજદારોએ આ કાયદાકીય લડાઈમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસ.ઓ.જી.ના ડી.સી.પી. રાજદીપસિંહ નકુમ તેમજ ટોરેન્ટ પાવર કંપની સહિતના પક્ષકારો સામે પિટીશન દાખલ કરી છે.