સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત નાસીરનગર કેસ: હાઈકોર્ટે SMCને ઠપકો, કહ્યું- અસરગ્રસ્તો ઢોર નથી કે ગૌશાળામાં મૂકી દેશો

સુરત નાસીરનગર કેસ: હાઈકોર્ટે SMCને ઠપકો, કહ્યું- અસરગ્રસ્તો ઢોર નથી કે ગૌશાળામાં મૂકી દેશો

સુરતના નાસીરનગરમાં થયેલા ડિમોલિશન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સામે કડક વલણ અપનાવ્યું છે. વિસ્થાપિતોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાના વાયદાથી ફરી જવા બદલ કોર્ટે SMC કમિશનર રાજકુમાર બેનીવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કોર્ટમાં બોલાવ્યા હતા અને આકરા પ્રશ્નો પૂછ્યા હતા.

કોર્ટે જણાવ્યું કે, “જ્યાં સુધી તમે જવાબદારી નક્કી નહીં કરો ત્યાં સુધી જેમના ઘર તોડ્યા છે તે લોકો ક્યાં રહેશે? શું તેઓ ખુલ્લા આકાશ નીચે સૂઈ જશે? તેઓ દેશના નાગરિક નથી? તેમને કોઈ અધિકાર નથી? તેઓ કોઈ ઢોર નથી કે તેમને ઉઠાવીને ગૌશાળામાં મૂકી દેશો.”

હાઈકોર્ટે પૂછ્યું કે, એડવોકેટ જનરલે વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો વાયદો કર્યો હતો, તે હવામાં કેમ ઓગળી ગયો? વાયદાથી ફરી જવા બદલ કોર્ટની અવમાનના કેમ ન ગણવામાં આવે? SMCએ PM આવાસ યોજનામાં લાંબી રાહ જોવી પડે છે તેવી દલીલ કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

કોર્ટે નોંધ્યું કે, આ કેસમાં અધિકારીઓએ કાયદાની કોઈ પણ પ્રક્રિયાનો અમલ કર્યા વિના ઘરો તોડ્યા હતા. આ કાર્યવાહી ખાનગી થર્ડ પાર્ટીના કહેવાથી કરવામાં આવી હોવાનો આક્ષેપ પિટિશનમાં કરવામાં આવ્યો છે, જેથી તે થર્ડ પાર્ટીને ફાયદો થઈ શકે. કોર્ટે આ વર્તનને ન્યાયની પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને કોર્ટના સન્માનને ઓછું કરતું ગણાવ્યું છે.

હાઈકોર્ટે SMCના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ આદેશને પડકારવાની છૂટ આપી છે. આગામી સુનાવણી નવેમ્બર મહિનામાં થશે, જેમાં બંને અધિકારીઓએ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવાનું રહેશે. કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે, શા માટે અધિકારીઓ સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ન કરવામાં આવે?

ઉલ્લેખનીય છે કે, 29 અને 30 મે, 2026ના રોજ સુરતના વેડ દરવાજા પાસેના નાસીરનગરમાં મોટા પાયે ડિમોલિશન થયું હતું, જેના કારણે ઘણા લોકો બેઘર બન્યા હતા. આ મામલે હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.