સુરતના નાસીર નગર ડિમોલિશન વિવાદમાં હાઈકોર્ટની ટકોર બાદ તપાસનો દાયરો વધુ વિસ્તર્યો છે. 29 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી પહેલાં સરકારી ઉચ્ચસ્તરીય તપાસ કમિટીએ પ્રકરણ સાથે સંકળાયેલા જવાબદારોને ગાંધીનગર બોલાવીને તપાસ ઝડપી કરી છે.
ડિમોલિશનના નિર્ણયથી લઈને જમીનના ભાગલા, મંજૂરી અને પાલિકાની કાર્યવાહી સુધીના મુદ્દાઓની ચકાસણી માટે પાલિકાની તપાસ કમિટી, સસ્પેન્ડેડ પાંચ કર્મચારીઓ તથા સિટી સર્વેના જવાબદારોને સોમવારે હાજર રહેવા ફરમાન કરાયું છે. હાઈકોર્ટની નારાજગી બાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી થઈ ચૂકી છે. હવે સમગ્ર પ્રકરણમાં કોની ભૂમિકા અને જવાબદારી કેટલી હતી તે નક્કી કરવા ઉચ્ચસ્તરીય કમિટીની તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે.
વેડદરવાજા વિસ્તારમાં આવેલી નાસીર નગર વસાહતના ડિમોલિશન સામે ભારે વિરોધ થયા બાદ આ મામલો કાનૂની વિવાદમાં ફેરવાયો હતો. ડિમોલિશનની કામગીરીમાં નિયમોનું પાલન થયું હતું કે નહીં અને સમગ્ર કાર્યવાહી કયા દસ્તાવેજો તથા મંજૂરીના આધારે કરવામાં આવી હતી તે અંગે શરૂઆતથી જ સવાલો ઊભા થયા હતા.
મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી દરમિયાન પાલિકાની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને પ્રકરણમાં વાસ્તવિક રીતે જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની દિશામાં સરકારને ટકોર કરવામાં આવી હતી. આ દરમિયાન પાલિકાએ પણ જવાબદારી નક્કી કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યપાલક ઈજનેર સુઝલ પ્રજાપતિ સહિત સેન્ટ્રલ ઝોનના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ પૈકી સુઝલ પ્રજાપતિએ સસ્પેન્શનને પડકારતાં હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર પ્રકરણમાં માત્ર ડિમોલિશનની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ જ નહીં, પરંતુ નિર્ણય પ્રક્રિયા સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ અને વિભાગોની ભૂમિકા પણ તપાસ હેઠળ આવી હતી.
હાઈકોર્ટની સુનાવણી અને સરકારના સ્તરે થયેલી કાર્યવાહી બાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રકરણની તપાસને વધુ વ્યાપક બનાવવા પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ કમિટી રચવામાં આવી હતી. કમિટી દ્વારા ડિમોલિશનનો નિર્ણય કયા આધારે લેવાયો, જમીન અંગેના દસ્તાવેજોની સ્થિતિ શું હતી, અગાઉની મંજૂરીઓ અને કાર્યવાહી વચ્ચે કોઈ વિસંગતતા હતી કે નહીં તેમજ પાલિકાના કયા અધિકારી કે વિભાગની શું ભૂમિકા રહી હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં પ્રશ્નવાળી જમીન અને લાગુ વિસ્તારમાં અગાઉ સમગ્ર એરિયા માટે આપવામાં આવેલી પીવીસી સહિતના દસ્તાવેજો પણ તપાસ કમિટી દ્વારા શહેર વિકાસ વિભાગ પાસેથી મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે તપાસને આગળ વધારતાં પાલિકાની અગાઉની તપાસ કમિટી, સસ્પેન્ડેડ પાંચ કર્મચારીઓ તેમજ પ્રશ્નવાળી જમીનના ભાગલા મંજૂર કરનાર સિટી સર્વેની ટીમના જવાબદારોને ગાંધીનગર ખાતે હાજર રહેવા જણાવાયું છે. આ સાથે પ્રકરણ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ પાસેથી પણ જરૂરી વિગતો અને દસ્તાવેજો મેળવવામાં આવી રહ્યા છે.
29મી સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં પિટીશન પર સુનાવણી થવાની હોવાથી તે પહેલાં તપાસના તારણો અને દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.